‘લ્યો સાંભળો !’ અમે રણઝણસિંહના ઘરનો ઓટલો ચડતાં જ ખુશખબરી આપી. ‘વેબસ્ટર ડિક્શનેરીએ ‘પેન્ડેમિક’ શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો !’
‘એમાં શી નવાઈ કરી ?’ રણઝણસિંહ જરા હસ્યા. ‘આપણે ત્યાં તો છેક 1896માં પ્લેગ ફેલાણો હતો ત્યારથી આપણે નામ દીધું હતું. ‘મહામારી' !’’
‘એ વાત સાચી. પણ જો આ વરસે ગુજરાતીમાં વર્ડ ઓફ ધ યર જાહેર કરવાનો હોય તો કયો શબ્દ આવે ? લોકડાઉન ?’
‘ના ના… ઇ તો નોટબંધીની માફક ઉપરથી ઠોકી બેહારેલો શબ્દ છે.’
‘તો પછી ક્વોરન્ટાઈન ?’
‘ઇ યે વિદેશી શબ્દ થ્યો. વળી ગામડામાં તો કોઈને કોરોન્ટાઈન બોલતાં ય નો ફાવે.’
‘સોશિયલ ડિસ્ટન્સિંગ !’
‘ગુજરાતીમાં સામાજિક અંતર ?’ રણઝણસિંહ હસ્યા. ‘આભડછેટ જેવું નથી લાગતું ?’
‘તો આત્મનિર્ભર કેમ લાગે છે ?’
‘એક તો અંગ્રેજી ભાષાથી છૂટવા માટે આપણે આત્મનિર્ભર થઈ શકતા નથી, ઉપરથી બોલચાલમાં અને મિડિયામાં ય સરળ ગુજરાતી શબ્દોને બદલે અંગ્રેજી ઠોકતા થઈ ગયા ! આમાં આત્મનિર્ભર ક્યાંથી થ્યા ગણાય ?’
અમે ફરી ગુંચવામા. છતાં કોશિશ ચાલુ રાખી. ‘પોઝિટીવ ? નેગેટિવ ?’
‘અલ્યા, ઊંધું હાલ્યું છે. જ્યાં પોઝિટીવ ડરામણો અને નેગેટિવ વ્હાલો શબ્દ થઈ જાય ઇ વળી કેવું ?... નો હાલે.’
‘ઇમ્યુનિટી ?... હંધાયને એનું ઘેલું લાગ્યું છે.’
‘ખોટી વાત. ઈ તૂત ફક્ત ધનિક અને ઉચ્ચ વર્ગમાં જ ફેલાણું છે.’
‘કોરોનાકાળ ?’
‘હા….’ રણઝણસિંહ બોલ્યા. ‘ઇ શબ્દ અસલ ગુજરાતી ખરો.... પણ સાવ સામાન્ય ગુજરાતીઓએ સ્વયંભૂ ઉપજાવેલો, સૌએ અપનાવેલો અને સર્વત્ર વ્યાપક બનેલો હજી એક શબ્દ ખરેખર આ બિરુદને લાયક છે.’
‘કયો ?’
‘ટેલિફોનિક – બેસણું !’
અમને તો આ શબ્દ વરસનો શ્રેષ્ઠ શબ્દ લાગે છે. તમને કેમ લાગે છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment