થર્ટી ફર્સ્ટનો 'ટલ્લી' ટેસ્ટ !

આજે થર્ટી ફર્સ્ટ છે ! આપણને ગુજરાતીઓને આ રાત્રે દારૂ પીવાનાં શૂરાતનો ચડે છે. એક તો પીવાની પ્રેક્ટિસ હોય નહીં, એમાંય કોઈનું મફતિયું પીવા મળતું હોય ત્યારે અમુક લોકો પોતે કેટલું પી જાય છે તેનું ભાન રહેતું નથી.


આવા સમયે શી રીતે ચેક કરવું કે બોસ, તમે ‘ટલ્લી’ થઈ ગયા છો કે નહીં ? તો લ્યો, આ મેસેજ સાચવીને રાખજો, આજે રાત્રે કામ આવશે.

***

ટલ્લી ટેસ્ટ (1)

જો વાતો કરતાં કરતાં તમારું ઇંગ્લીશ (બોલવાની ભાષા, યાર !) અચાનક સુધરી જાય તો સમજવું કે તમે ધીમે ધીમે ટલ્લી થઈ રહ્યા છો.

ટલ્લી ટેસ્ટ (2)

ગઈકાલ સુધી તમે જેની પીઠ પાછળ ‘સાલો હલકટ છે, ચાલુ છે, જુઠ્ઠો છે, બે કોડીની યે કિંમતનો નથી…’ એવું કહેતા હતા તેને અચાનક ભેટીને તમે
‘તું તો આપણો જિગરી યાર છે… ભાઈ છે મારો…’ એવું કહેવા માંડો તો સમજવું કે હવે તમે બરોબર ટલ્લી થઈ રહ્યા છો.

ટલ્લી ટેસ્ટ (3)

બાથરૂમમાં પણ સરખી રીતે ગાઈ શકતાં ના હો છતાં જો આજે તમે આખી સોસાયટીને સંભળાય એવા બુલંદ અવાજે ફિલ્મી ગાયનો ગાવા માંડો તો સમજવું કો સોનુ નિગમ વળી કઈ વાડીનો મૂળો છે ?

ટલ્લી ટેસ્ટ (4)

જે પોલીસે તમને લોકડાઉન વખતે ડંડા માર્યા હોય એ જ પોલીસનું આજે ડાચું રંગી નાંખવા જેટલી તાકાત તમારામાં આવી જાય એ ક્ષણે માનવું કે પોલીસ કમિશનર પણ તમારા ખિસ્સામાં છે !

ટલ્લી ટેસ્ટ (5)

રસ્તાનો થાંભલો, સોસાયટીનું ઝાડ અથવા નીચે પડેલા ઇંટના ટુકડા સાથે વાતચીત કરતાં એ તમારી વાતોનો જવાબ ના આપે તો માનવું કે તમારી ગલીના એ દોસ્તો ‘બેવફા’ થઈ ગયા છે !

ટલ્લી ટેસ્ટ (6)

આટલી ઠંડીમા પણ છત ઉપર લટકતો પંખો તમને ગોળગોળ ફરતો દેખાય તો સમજવું કે સાલા પંખાને પણ ચડી ગઈ છે !

ટલ્લી ટેસ્ટ (7)

- અ‌ને અહીં નીચે છાપેલી ત્રણ ફૂદડી જ્યારે તમને સદંતર દેખાતી બંધ થઈ જાય ત્યારે માનવું કે તમે ‘ટોટલી ટલ્લી’ થઈ ગયા છો ! હેપ્પી 2021…

                                 * * *

- મન્નુ શેખચલ્લી

Comments