ભાજપના નવા વૈજ્ઞાનિક પ્રયોગો !

ભાજપના પ્રમુખ શ્રી સી. આર. પાટિલ તથા ભૂતપૂર્વ ભાજપ મંત્રી શ્રી કાંતિ ગામીતે જાહેરમાં મેદનીઓ ભેગી કરીને જે ‘વૈજ્ઞાનિક’ પ્રયોગોનાં ‘ડેમોન્સ્ટ્રેશન’ આપ્યાં છે તેનાથી પાંચ વાતો સિધ્ધ થઈ જાય છે.


(1) કોરોના વાયરસ રાજકીય લોકોથી દૂર રહે છે.

(2) કોરોના વાયરસ રાજકીય રેલીઓ તથા સરઘસોથી બહુ ડરે છે.

(3) રાજકીય નેતાઓના સામાજિક પ્રસંગો વખતે ભેગી થયેલી ભીડથી તો કોરોના વાયરસના હાંજા ગગડી જાય છે.

(4) રાજકીય નેતાઓને સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કની જરૂર નથી કારણ કે કોરોના વાયરસ તેમનો ચહેરો દૂરથી જ ‘સ્કેન’ કરીને પોતે જ સોશિયલ ડિસ્ટન્સ રાખે છે.

(5) પોલીસો પણ ઉપરના વૈજ્ઞાનિક સિધ્ધાંતો સારી પેઠે જાણે છે.

***

આથી જાહેર જનતાને વિનંતી છે કે આ વૈજ્ઞાનિક સત્યોનો આધાર લઈને પોતાના સામાજિક ફંકશનોમાં નીચે મુજબના ફેરફાર કરી લેવા…

(1) જાહેરમાં વરઘોડો કાઢવો હોય તો તેમાં 100-150 રાજકીય કાર્યકર્તાઓને બોલાવી લેવા. વરઘોડાને ‘લગ્નરેલી' અથવા 'મેરેજ સરઘસ’ કહેવું.

(2) લગ્ન કે રિસેપ્શનના પ્રસંગે કોઈ રાજકીય નેતાને નિમંત્રણ આપીને જરૂર હાજર રાખવા.

(3) જમણવાર તથા અન્ય શુભ પ્રસંગમાં મામૂલી નાગરિકોની સુરક્ષા માટે 300-400 રાજકીય કાર્યકર્તાને પણ જમાડી દેવા.

(4) વર-કન્યાની સગાઈ કોઈ રાજકીય નેતા સાથે શોધી કાઢવી. કંકોત્રીમાં જ તેની નોંધ મોટા અક્ષરે લેવી. જેમ કે ફલાણા ફલાણા નેતાની અસીમ કૃપાથી… વગેરે. જેથી કલેક્ટર માહિતગાર રહે.

(5) શક્ય હોય તો મિસ-કોલ મારીને રાતોરાત રાજકીય પક્ષના મેમ્બરો બની જવું.

(6) પ્રસંગ વખતે પક્ષના બિલ્લા, ખેસ, ટોપા, માસ્ક વગેરે જરૂર પહેરવાં. ઝંડા પણ ફરકાવતા રહેવું.

- રાજકીય બનો, સલામત રહો.

***

- મન્નુ શેખચલ્લી

 

Comments