લગ્નપ્રસંગમાં 50 વત્તા 50 એમ 100 જણને જ બોલાવી શકાય એવા નિયમથી લગ્નવાળા ઘરમાં કેવાં ધમસાણ મચે છે એની બીજાઓને શું ખબર ? જુઓ, આ ઘરમાં બાબો ઉર્ફે ગટુ ઉર્ફે નિહારની કંકોત્રી માટે પચાસ નામોનું ચક્કર ચાલ્યું છે…
(કયો સંવાદ કોણ બોલે છે તેની કલ્પના જાતે કરી લેવી.)
‘આ પચાસના લિસ્ટમાં કોનાં નામ રાખવાં અને કોનાં કાપવાં ? પ્રોબ્લેમ થઈ ગયો છે.’ ‘
'હું શું કહું છું અંકલ, ચીઠ્ઠી ઉપાડવાનું રાખો ને ?’
‘અલ્યા, આ તો કંઈ લોટરી છે ?’
‘લગ્ન તો લોટરી જ કહેવાય ને ?’
‘એમાં ય એરેન્જ મેરેજ તો ખાસ !’
‘ગટુને આમેય લોટરીમાં ગટ્ટી જ લાગી છે!’
‘અલ્યાઓ તમે ચૂપ મરશો ?’
‘સાંભળો, હું શું કહું છું, ગટુના પાંચ મામા અને પાંચ મામીઓ છે. તો એ દસમાંથી ચારને બોલાવીએ તો ના ચાલે ?’
‘બિલકુલ ના ચાલે ! આપણા ગટુના લગન માટે એમણે નવા મોંઘા મોંઘા સૂટ સીવડાવ્યા છે !’
‘ખબર છે. ખબર છે, છેલ્લા ત્રણ લગનમાં મામાઓ એકના એક સૂટમાં હાલ્યા આવે છે.’
‘ફક્ત મામાઓની વાત નથી. મામીઓએ પણ નવી નવી સાડીઓ લઈ રાખી છે.’
‘તો ફેસબુકમાં ફોટા મુકીને લાઈક લઈ લેજો ને ?’
‘ખબરદાર જો મારા પિયરીયાંઓની મશ્કરી કરી છે તો. મામા-મામીને ત્યાંથી બધા જ આવશે !’
‘અરે પાંચ મામાઓનાં થઈને પંદર તો છોકરાં છે ! પચ્ચીસ તો એમાં જ થઈ ગયાં !’
‘હાસ્તો ? ગટુના વરઘોડામાં ડાન્સ પણ એ લોકો જ કરશે. તમારાવાળા તો રમખાણો પછીની શાંતિયાત્રામાં નીકળ્યા હોય એમ ચાલતા હોય છે.’
‘આન્ટી, હું શું કહું છું, વરઘોડાની તો કોઈ લિમિટ નથી ને? ભલેને સો જણા રોડ ઉપર ડાન્સ કરે ? આવવા દો ને ?’
‘હા, પછી ત્યાં માંડવે પહોંચ્યા પછી બાકીનાને ક્યાં મોકલવાના ?’
‘ટ્રાફિક સહાયકના ફિક્સ પગારમાં !’
‘ના હોં, મોસાળના કઝિનોમાંથી કોઈને નથી કાપવાના. બધા જોડે જોડે જ ફ્રેન્ડ્ઝની જેમ મોટા થયા છે.’
‘ટુંકમાં ફ્રેન્ડઝને જ કાપવાના. એમ જ ને ?’
‘ગટુ, તું શાંતિ રાખ ભઈલા.’
‘હા બકા, લગ્ન પછી તો આમેય શાંતિ નહીં મળે.’
‘બે યાર, તમે લોકો -’
‘સાંભળો, હું શું કહું છું ? ગોર મહારાજને જ કાપી નાંખો ને ?’
‘કેવી વાત કરે છે ?’
‘અરે ભઈ, એમને ઓનલાઇન કરી નાંખવાના !’
‘ટોપા, ગોર મહારાજ છોકરીની સાઈડમાં હશે. આપણામાંથી કોને કાપવાના છે એનું વિચારો, આજે છેલ્લો દિવસ છે.’
‘કાપો… કાપો… કાપો… સાલું, કતલની રાત જેવું લાગે છે નહીં ?’
‘એય, ચૂપ મર !’
‘અચ્છા સાંભળો, કેટરિંગના કાઉન્ટરો ઉપર આપણા દસ જાનૈયાને ઊભા રાખી દો ને !’
‘પણ અલ્યા, વાનગીઓ સાત જ છે !’
‘તો શું થયું ? વળિયારી, ધાણાની દાળ, પાન… એવા નવાં કાઉન્ટરો બનાવી દો ને ?’
‘આઇડિયા સારો છે, પણ ગટુના મામાઓ પાન સ્પોન્સર કરશે ?’
‘સો પાનમાં વળી શું સ્પોન્સર કરવાનું ?’
‘કેમ ? કોઈ બે-ત્રણ ખાઈ જાય તો ? તારા ભાઈઓને મોંઘુ પડી જશે નહીં ?’
‘જુઓ, મારા ભાઈઓની મજાક નહીં કરવાની.’
‘અરે, હું તો મારા સાળાઓની મજાક કરું છું.’
‘એના કરતાં લિસ્ટનું વિચારો..’
‘એક કામ કરો. જેને જરાય ખોટું ના લાગતું હોય એવાઓને કાપી નાંખો.’
‘મતલબ કે જે લોકોને વાત વાતમાં ખોટું લાગે છે એવાંઓને જ બોલાવવાનાં છે? તો તો આ લગન કરતાં બેસણું વધારે લાગશે.’
‘બસ બસ હોં ? મારા પિયરીયાં કંઈ એવા નથી હોં ?’
‘જોયું । બંધ બેસતી પાઘડી પહેરી જ લીધી ને ?’
‘અંકલ, મારી પાસે એક જોરદાર આઇડિયા છે. આપણે ત્રણ ત્રણ કંકોત્રીઓ છાપી નાંખવાની.’
‘કેવી રીતે ?’
‘એકમાં નિહાર વેડ્ઝ અંજલિ. બીજીમાં ગટુ વેડ્ઝ ગટ્ટી અને ત્રીજીમાં લખવાનું એન્ટી વેડ્ઝ એન્જિ..’
‘આ એન્જિ એટલે આપણો ગટુ એન્જિનિયર છે એટલે ?’ ‘ના. એન્જિ એટલે તો અંજલિ.’
‘તો એન્ટી કઈ રીતે ?’
‘ગટુ બધી વાતે એન્ટિ જ છે ને ? એન ફોર નિહાર અને ટી ફોર તરુણભાઈ !’
‘આઇડિયા મસ્ત છે ! હું કલેક્ટર ઓફિસે ફોન કરીને પૂછી જોઉં ?’
‘એ ટોપા. એમાં પેપર ફૂટી જાય !’
‘એક કામ કરોને અંકલ, અંજલિના પપ્પાને કહોને એમના તરફથી પંદર માણસ ઓછા રાખે ?’
‘અરે, સવારે જ એમનો ફોન આવી ગયો... કહેતા હતા કે બેબીને બે તોલા સોનું વધારે આપીશું પણ તમે જાનમાં તો પાંત્રીસ જ આવજો !’
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
આ લેખ સાત વાર વાંચી વાંચીને ગાંડો થઈ ગયો ! તમે ક્યો સીસીટીવી કેમેરા રાખ્યો છે તે આટલાં બધાં ઝડપાયાં છે, હેં ??😏😏😳😳📺📼📼
ReplyDeleteઘર ઘર કી કહાની હૈ...
ReplyDeleteસીસીટીવી ની જરૂર જ ક્યાં છે !