સરકારે હવે લગ્નોમાં કુલ ૨૦૦ જણાને ભેગા થવાની છૂટ તો આપી દીધી છે પણ તમે જોજો, કેવું કેવું થવાનું છે…
***
તમે જોજો…
કે તમે કાપકૂપીને, મનાવી સમજાવીને કટોકટ ૨૦૦ જણા (ગોર મહારાજો સહિત) ગણ્યા હોય છતાં જ્યારે કેટરિંગવાળો એનું બિલ આપશે ત્યારે એમાં તો 269 ડીશો લખેલી હશે !
***
તમે જોજો…
કે ‘પબ્લિક તો સોશિયલ ડિસ્ટન્સમાં કંઈ સમજતી જ નથી’… એવો બળાપો કરનારાઓ જ લાઈવ ઢોંસાના કાઉન્ટર પાસે ધક્કામુક્કી કરતાં દેખાશે !
***
તમે જોજો…
ખાલી ડીશો અને ટીશ્યુ પેપરના કાઉન્ટરની બાજુમાં માસ્કનું કાઉન્ટર પણ હશે !
***
તમે જોજો…
જે પોતાની જાતને ‘પાંચમાં પૂછાતા’ સમજતા હશે એ આ વખતે ‘બસ્સોમાં’ પણ નહીં પૂછાતા હોય !
***
તમે જોજો…
બધું બરોબર ચાલી રહ્યું હોય, જમવાનું પણ શરૂ થઈ ગયું હોય ત્યારે જ કોઈ દાઝેલો બળેલો માણસ પોલીસમાં ફોન કરશે ‘ફલાણી જગ્યાએ લગનમાં રીતસર અઢીસો જણા ભેગા થયા છે !’
***
તમે જોજો…
લગ્નમાં છાપો મારવા આવેલી પોલીસની ટુકડી છેવટે તો જમીને જ જશે !
***
તમે જોજો…
દરેક લગ્નમાં મિનિમમ ચાર આન્ટી તો એવાં જોવા મળશે જ કે જે ‘એક ડીશમાં’ ત્રણ ‘અડધાં’ બાળકોને જમાડતાં હશે !
***
અને તમે ખાસ જોજો…
આવા શુભ પ્રસંગે જમતાં જમતાં વાતો તો એવી જ થતી હશે કે ‘આ વખતે કેટલા બધાં મરી ગયાં નહીં ? જુઓને, અમારા સગામાં તો…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment