લગ્ન-મરણનાં 'લિમિટ' કાર્ટૂન !

ફરી એકવાર લગ્નમાં 100 અને મરણમાં 50ની લિમિટ લાગી ગઈ ! હવે જુઓ, કેવી કેવી સિચ્યુએશનો ઊભી થઈ રહી છે…


***

વરપક્ષનો બાપ કન્યાના પિતાને કહે છે :

‘અમને વધારાનું કોઈ દહેજ નથી જોઈતું… બસ, તમે તમારી સાઈડની 25 કંકોતરીઓ અમને આપી દો ! અમારાં સગાં વધારે છે…’

***

એક ભાઈ કલેક્ટર ઓફિસમાં જઈને પૂછી રહ્યા છે :

‘આ લગ્નમાં મહેમાનો અને સ્મશાનયાત્રામાં ડાઘુઓની સંખ્યા તો સમજાઈ ગઈ પણ બારમાના ભોજન માટે તો કોઈ લિમિટ નથી ને ?’

***

બીજા એક ભાઈ ફોન મુક્યા પછી કડવું મોં કરતાં કકળાટ કરે છે :

‘ત્રાસ છે ને… ચાર મહિના પહેલાં જ્યારે એ ભાઈને ઘેર લગન હતાં ત્યારે મને કંકોત્રી પણ નહોતી મોકલી ! અને હવે એના વડીલ ગુજરી ગયા છે તો ફોન કરીને આગ્રહ કરે છે કે તમારે તો આવવું જ પડે…’

***

ઘરમાં એક વડીલ મરણ પામ્યા છે. એની સ્મશાનયાત્રાની તૈયારી ચાલી રહી છે. એમાંથી એક પડોશી બીજા પડોશીને કહે છે :

‘આ વડીલના દિકરાએ ફોનમાં બધાને એમ જ કીધે રાખ્યું છે કે ના ના, કોરોના તો જરાય નહોતો… બસ, ખાંસી શરદી વધી ગયેલાં, ગળામાં સોજો હતો, શ્વાસની તકલીફ થતી હતી અને તાવ રહેતો હતો એટલું જ ! હવે તમે જોજો… સ્મશાનયાત્રામાં કેટલા જણા આવે છે…’

***

એક શાનદાર બંગલામાં બેઠેલા ઉદ્યોગપતિ ફોન પર પૂછપરછ કરી રહ્યા છે :

‘હલો, સાંભળો ! તમારું જે ડ્રાઈવ-ઈન સિનેમા છે ને, એમાં અમારે ડ્રાઈવ-થ્રુ રિસેપ્શન અને ડ્રાઈવ-થ્રુ ડીનર રાખવું હોય તો વ્યવસ્થા થઈ શકશે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments