જેમ આપણે ત્યાં વેપારીઓ દુકાનદારો વગેરે દિવાળી પછી લાભપાંચમના દિવસે ધંધાનું મહુરત કરે છે એ રીતે ફિલ્મોની દુનિયામાં તો દરેક નવી ફિલ્મનું મહુરત થાય છે. આ મહુરતોની વાત જ નિરાળી છે...
’70 અને ’80ના દાયકામાં તો જેટલી ફિલ્મો બનીને પુરી થતી એનાથી લગભગ બે અઢી ગણી ફિલ્મોનાં ‘મહુરત’ થતાં ! એ જમાનામાં કંઈ આખેઆખી લખેલી ‘બાઉન્ડ સ્ક્રીપ્ટ’ ફિલ્મસ્ટારોને વાંચવા કે વાંચી સંભળાવવા માટે અપાતી નહોતી. અરે, ઘણીવાર તો સ્ટોરી પણ કહેવામાં નહોતી આવતી !
પ્રોડ્યુસર અમુક નામી અથવા ઓછા નામી ફિલ્મસ્ટારોને માત્ર પાંચ પંદર હજારની ‘સાઇનિંગ એમાઉન્ટ’ આપીને પોતાની ફિલ્મ માટે બાંધી લેતા ! આવા એકાદ હીરો, એકાદ હીરોઈન અને બે ચાર વિલન-ચરિત્ર કલાકારોને ‘સાઇન’ કરીને પ્રોડ્યુસર ફિલ્મનું મહુરત એનાઉન્સ કરી દેતો !
મહુરતમાં શક્ય એટલી જાણીતી ફિલ્મી હસ્તિઓને નિમંત્રણ જતાં. (એમાંથી શક્ય હોય એટલા આવે પણ ખરા !) ફિલ્મી પત્રિકાના પત્રકારો ખાણી તથા પીણી માટે ખાસ પહોંચી જતા. મૂળ તો આખો તમાશો પોતાની ફિલ્મમાં પૈસા રોકનારા ફીનાન્સરો (બીજા શબ્દોમાં કહીએ તો ‘બકરાઓ’)ને ઇમ્પ્રેસ કરવા માટે થતો હોય. એમાંય જો પ્રોડ્યુસર પોતે લેભાગુ ટાઈપનો હોય તો તો આખો ખેલ જોવા જેવો હોય !
ફિલ્મનું મહુરત એટલે ફિલ્મના શૂટિંગનો પહેલો શોટ. પરંતુ અહીં તો ક્યારેક સેટ પણ ના લાગેલો હોય ! કોઈ હોટલના કોન્ફરન્સ રૂમમાં કે ભવ્ય ફોયરમાં આખો ઝમેલો ભેગો થયો હોય. કેમેરા ઉપર પૂજાનાં ટીલાં ટપકાં કરવામાં આવે. કેમેરામેનથી લઈને નાના મોટા ટેક્નિશીયનોને ચાંલ્લા થાય, પ્રોડ્યુસર ગોર મહારાજ પાસે નાનકડી પૂજા કરાવે પછી હીરો હીરોઈન ફૂલ મેકપ અને ચકળાટભર્યા ભભકાદાર વેશમાં એન્ટ્રી મારે ! કેમેરા એમની સામે મંડાય... ‘રોલ કેમેરા...’ ‘રોલ સાઉન્ડ...’ ‘ક્લેપ-ઇન...’ ‘એન્ડ એકશન !’ એવી બૂમો પડે !
કોઈ મોટી સિનિયર ફિલ્મી હસ્તિ વળી કેમેરા સામે ક્લેપ-બોર્ડ ધરીને ક્લેપ આપી જાય ! તાળીઓના ગડગડાટ થાય... એમાં હીરો-હીરોઈન શું ડાયલોગ બોલી જાય તે કોઈને કશું ના સંભળાય ! એવામાં છેલ્લે ડીરેક્ટર ‘કટ’ની બૂમ પાડે એટલે નાળિયેર ફૂટે ! અને લો, થઈ ગયું મહુરત !
જોવાની વાત એ હોય કે આ મહુરત થયેલું દ્રશ્ય ફિલ્મમાં તો ક્યાંય હોય જ નહીં ! ક્યારેક તો સંવાદો પણ રેકોર્ડ ના કર્યા હોય ! (ભલું હોય તો કેમેરામાં નેગેટિવનું રીલ પણ ના ચડાવ્યું હોય.) અમુક વાર કેમેરાને તો કેમેરાને જે ટ્રોલીના પાટા ઉપર ચલાવવાનો હોય એ લોખંડી પાટા ઉપર નાળિયેર ફોડવામાં આવતું ! ટુકંમાં, નાળિયેર ફોડતાંની સાથે નવી ફિલ્મનું મહુરત થઈ ગયું ! પછી એનું આગળનું શૂટિંગ ક્યારે થવાનું છે, તારીખો કઈ છે, સ્ટોરી શું છે, સ્ક્રીપ્ટ ક્યાં છે... એ બધું અધ્ધરતાલ !
મહુરત પતે પછી પેંડા વહેંચાય. પત્રકારો સમક્ષ કલાકારો તારીફ કરે ‘કહાની સુનતે હી મૈંને કહા, યે ફિલ્મ મૈં કરના ચાહતા હું...’ ‘હમારી પિક્ચર જરા હટકે હૈ...’ ‘સિલ્વર જ્યુબિલી જરૂર કરેગી...’ એવા વખાણો સાથે ત્યાં જ પ્રેસ કોન્ફરન્સ થતી. (ક્યારેક તો ઊભાં ઊભાં ! )
એક જમાનામાં ‘લહરેં’ નામની વિડીયો કેસેટો દર પખવાડિયે કે મહિને બહાર પડતી, જે, તે સમયની લકઝરી બસોમાં બે ફિલ્મો વચ્ચે ‘ફીલર’ તરીકે બતાડતાં ! એમાં આવું બધું જોવા મળતું. (ભાડેથી બે કેસેટો લાવીએ તો દુકાનવાળો ‘લહરેં’ની કેસેટ ફ્રીમાં આપતો.)
એ સમયમાં મોટી મોટી ફિલ્મો પણ ટુકડે ટુકડે બનતી. બે ચાર ગાયનો રેકોર્ડ થાય, એનું શૂટિંગ થાય, અમુક ઇન્ડોર કે આઉટડોર દૃશ્યો શૂટ કરે, એ ફીનાન્સરોને બતાડે... એમ કરતાં કામ આગળ ચાલતું. રહી વાત હિસાબના ચોપડાની, તો એમાં માત્ર રસીદો જ બનતી. ગાયન માટે ૨૦ ડાન્સરો આવી હોય તો ૫૦ ડાન્સરોને રૂપિયા ચૂકવ્યાની રસીદ ફાટતી ! જેમાં જુલી, રોઝી, લીલી, સ્વીટી વગેરે બોગસ નામો દરેક ફિલ્મોના હિસાબોના ચોપડામાં જોવા મળતાં !
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment