પડતર દિવસનો પડતર હિસાબ !

આજે પડતર દિવસ છે, ધોકાનો દિવસ છે, બે વરસની વચ્ચેનો વચલો દિવસ છે....આજે જરા હિસાબ કરો કે ગયા વરસમાં કેટલા ધોકા થયા અને દરેક ધોકો કેટલા પડતરમાં પડ્યો !


***

એક બાજુ પગારકાપમાં કેટલા રૂપિયા ગયા અને બીજી બાજુ દિવાળી વેકેશનમાં ફરવા ના ગયા તો કેટલા બચ્યા ? કરો હિસાબ...

***

એક બાજુ રેસ્ટોરન્ટનું અને ફૂટપાથનું ના ખાઈને તબિયત કેટલી સુધારી અને બીજી બાજુ ઘરમાં ને ઘરમાં બેસીને ફાંદ કેટલી વધારી ? કરો હિસાબ...

***

એક બાજુ કામવાળીને આવતી બંધ કરીને બેરોજગારી કેટલી વધારી અને બીજી બાજુ કચરાં પોતાં વાસણ વગેરે કરતાં શીખીને કેટલા ‘આત્મનિર્ભર’ બન્યા ? કરો હિસાબ...

***

એક બાજુ OTT પ્લેટફોર્મ પર આવતી વેબ-સિરિઝો જોઈને કેટલી નવી ગાળો શીખ્યા અને બીજી બાજુ ચીનને કેટલી ગાળો દીધી ? કરો હિસાબ...

***

એક બાજુ ભીડથી બચવા માટે ઘરમાં ભરાઈ રહ્યા અને બીજી બાજુ વસ્તી વધારો રોકવા માટે પોતે કેટલા પ્રયત્નો કર્યા ? મનમાં કરો હિસાબ...

***

એક બાજુ માવા-મસાલાની પડીકીઓ મેળવવા માટે કેવા કેવા ફાંફાં માર્યા અને બીજી બાજુ દારૂની દુકાનોની બહાર ઊભેલી લાંબી લાંબી લાઈનોના વિડીયો જોઈને કેટલો જીવ બાળ્યો ? કરો હિસાબ...

***

એક બાજુ કોરોનાને મટાડી દેતા કેટલા ચમત્કારીક ઉપાયો બીજાઓને ફોરવર્ડ કર્યા અને બીજી બાજુ પોતે કોરોનાનો ટેસ્ટ કેટલી વાર કરાવ્યો ? કરજો હિસાબ...

***

અને છેલ્લા આઠ મહિનામાં એક બાજુ ‘કોરોના-ફોરોના કશું છે જ નહીં’ એવું અને બીજી બાજુ ‘ભૈશાબ સંભાળજો, કોરોના છે...’ એવું ટોટલ કેટલીવાર બોલ્યા હશો ? 

હેપ્પી પડતર દિવસ !

***
- મન્નુ શેખચલ્લી

Comments