'ન્યુ નોર્મલ'ની નવી બદ-દુઆઓ !

એક જમાનામાં “તારી સાસુનું શાક દાઝે...” એવા શ્રાપ ચાલી જતા હતા. પણ છેલ્લા છ મહિનામાં કોરોના મહાવ્યાધિને પગલે બધું ‘ન્યુ નોર્મલ’ ઘુસી ગયું છે !


આવા ન્યુ નોર્મલ સમયમાં બદ-દુઆઓ પણ નવી જોઈશે ને ? આ રહ્યો રેડી સ્ટોક...

***

“દોરી ઉપર સુકવવા નાંખેલું તારું માસ્ક કોઈ કાગડો લઈને ઉડી જાય...”

***

“અરે, ભરબજારે તારું માસ્ક જ ફાટી જાય.”

***

“ચૂંટણી પ્રચારની રેલમાં ગયેલો કાર્યકર તારા ઘરમાં ઘુસીને છીંકો ખાય...”

***

“તારા રિપોર્ટમાં પાંચ ટકા કોરોનાનો ચેપ જોઈને તું હોસ્પિટલમાં દાખલ થાય.. અને પાંચ દિવસમાં હોસ્પિટલવાળા તારું પાંચ લાખનું કરી નાંખે...”

***

“અરે... તારી સગાઈ કોરોના વોર્ડની નર્સ જોડે થાય..”

***

“અને તારા લગનમાં પચાસ પોલીસવાળા ઘુસી આવે જેથી તને તારા લગન મંડપમાં એન્ટ્રી ના મળે...”

***

“તારી બૈરીના દેખતાં રોજ તારો બોસ તને ઓનલાઈન ખખડાવે...”

***

“તું માવો ખાઈને થૂંકે એટલામાં તો નાર્કોટિક્સવાળાની ઇન્કવાયરી આવી જાય...”

***

“મૂઆ, તારું કોઈ કનેક્શન રિયા ચક્રવર્તી જોડે નીકળે...”

***

“અને પછી તું જાજરૂમાં બેઠો હોય ત્યાં પણ મિડિયાવાળા ઘુસી આવે..”

***

“છેવટે કંઈ નહીં તો ફેસબુકમાં તારાથી ‘કાલ’ને બદલે ‘માલ’ લખાઈ જાય અને તું આખો દહાડો ટ્રોલ થાય !”

***

“અને બહેન, તમે પણ સાંભળી લો... કચરા-પોતાં અને રસોઈ કરતાં શીખી ગયેલો તમારો પતિ રોજ ઓફિસે જતો થઈ જાય...!”

***

- મન્નુ શેખચલ્લી

Comments