જો આ હિન્દી ફિલ્મો વિદેશમાં બની હોત...

જરા કલ્પના કરી જુઓ, ‘દો આંખે બારહ હાથ’ જેવી ફિલ્મ જો હોલીવૂડમાં બની હોત તો ? હોલીવૂડે આખી દુનિયામાં ઢંઢેરો પીટીને જાહેર કર્યું હોત કે અમારી ફિલ્મે ‘ઓપન જેલ’નો મહાન કોન્સેપ્ટ આપ્યો છે !


વી. શાંતારામની 1957માં બનેલી આ ફિલ્મ કલાત્મક્તા અને સ્ટોરી ટેલિંગના તમામ ઉચ્ચ ધોરણો ધરાવતી હતી છતાં વિદેશના તો છોડો ભારતના કોઈ ફિલ્મ ક્રિટીકે તેને ભારતની એક વિશ્વકક્ષાની ફિલ્મમાં ગણતરી કરી નથી. હકીકતમાં તો એ સમયે ‘ઓપન જેલ’ના વિચાર ઉપર બનેલી કદાચ પહેલી ફિલ્મ હતી. જો એ ફિલ્મ હોલીવૂડમાં બની હોત તો આજે આપણા જ દેશની ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટોમાં ‘ગોડફાધર’ની જેમ ‘ભણાવાતી’ હોત !

હિન્દીમાં આવી અદ્ભૂત થીમો ધરાવતી અનેક ફિલ્મો બની છે જેને આપણી ભોળી પ્રજાએ તો હોંશે હોંશે વધાવી લીધી છે પરંતુ આપણા કહેવાતા બૌધ્ધિક ફિલ્મ વિવેચકો અને મહાન આર્ટ-ફિલ્મ મેકરોને તેની પરવા સુધ્ધાં નથી.

રાજકપૂરે પ્રોડયુસ કરેલી  અને સોમ્બુ મિત્રા દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘જાગતે રહો’ જો રશિયામાં બની હોત તો  કંઈ કેટલાય ફિલ્મ ફેસ્ટિવલોમાં ડંકો વગાડતી ફરતી હોત !

કે. એ. અબ્બાસે લખેલી આ ફિલ્મ એક ‘રૂપક’ છે. એક જ મોટા બિલ્ડીંગમાં જે કાળા ગોરખધંધા ચાલી રહ્યા છે તેનો એક ગામડીયો સાક્ષી બને છે. એ સમયે લેખક કે દિગ્દર્શકને ‘મેટાફર’ નામનો ભારેખમ શબ્દ ખબર પણ નહીં હોય છતાં આવી અદ્ભૂત થીમ ધરાવતી ફિલ્મ બનાવી નાંખી. બસ, બિચારી ભારતમાં બની એટલે એની એટલી કમનસીબી કે ભારતના જ ફિલ્મ વિવેચકો એને મહાન નથી ગણતા !

આવો જ એક દાખલો ‘નવરંગ’ ફિલ્મનો છે. (1959, વી. શાંતારામ) જો આ જ ફિલ્મ ફ્રાન્સના કોઈ ફેલિની કે ત્રુફોએ બનાવી હોત તો જગત આખું ‘આહા... આહા....’ કરતું હોત !

એક ઉર્મિશીલ ગરીબ કવિ છે અને તેની ઓછું ભણેલી છતાં અતિસુંદર પત્ની છે. પતિ સતત તેની પત્નીના સૌંદર્ય અને કદી વ્યક્ત ન થઈ શકતા પ્રેમને વણીને અતિ લાગણીશીલ કાવ્યોની રચના કરતો રહે છે. બીજી તરફ પત્નીને શંકા પડે છે કે કોઈ બીજી  ‘પ્રેમિકા’ છે ! છેવટે રાજ દરબારમાં એક લાંબી કાવ્ય રચના દ્વારા જ તેનું રહસ્ય ખૂલે છે !

જો આ ફિલ્મ ફ્રેન્ચમાં બની હોત તો બેશક,  એની વિઝ્યુઅલ સૃષ્ટિ સાવ અલગ જ હોત. ફ્રાન્સના કેમેરામેનો અને  ઓપેરા સંગીતકારો પાસે ત્યાંના ડિરેક્ટરે અદ્ભૂત કામ લીધું હોત અને ફિલ્મના ઇતિહાસમાં આને ‘એક જીવતું જાગતું કાવ્ય’નું બહુમાન મળ્યું હોત !

વી. શાંતારામે પણ ફિલ્મના વિઝ્યુઅલાઈઝેશનમાં કશી કમી રાખી નહોતી. પરંતુ આપણા વિવેચકોના માયોપિયા (અર્ધ-અંધાપા)ને કારણે તેની તરફ ધ્યાન જ ના ગયું. વી. શાંતારામની તમામ કલ્પનાઓ ભારતીય રસશાસ્ત્ર / નાટ્યશાસ્ત્ર ઉપર આધારિત હતી. (ત્યાં સુધી કે કવિને પોતાની પત્નીમાં નર અને નારીનો સંગમ દેખાય છે.) નાટ્યશાસ્ત્રના નવ રસ ઉપર આધારિત જ ફિલ્મનું નામ હતું : ‘નવરંગ’. પરંતુ આપણા અંગ્રેજી ચશ્મા ચડાવેલા વિવેચકોને ભારતીય નાટ્યશાસ્ત્રની કશી પડી જ ક્યાંથી હોય ?

બેશક, સન 2000 પહેલાંની ફિલ્મોમાં ટાંચાં સાધનો, ઓછું બજેટ અને ટેકનોલોજીકલ નબળાઈને કારણે ભારતીય ફિલ્મોમાં એ ‘સફાઈ’ નહોતી. દેશની સરકારી નિતીઓ પણ એવી અવળચંડી હતી કે કેમેરા, લાઈટ, ડેવલપિંગ રસાયણો કે ફિલ્મ નેગેટિવ જેવી જરૂરી સામગ્રી ઉપર બેફામ ઇમ્પોર્ટ ડ્યૂટી લાગતી હતી. છતાં જે દશકામાં, જે સાધનો વડે આવી અનોખી ફિલ્મો બની છે તેની આપણા જ લોકોએ નોંધ નથી લીધી.

આવી નોંધપાત્ર ફિલ્મો અનેક છે પણ માત્ર એક સાયલન્ટ મૂવીની વાત કરીને લેખ પુરો કરીએ. સન 1987માં આવેલી ‘પુષ્પક’ નામની ફિલ્મની ખાસિયત એ છે કે તે દુનિયાની એકમાત્ર એવી સાયલન્ટ મુવી છે જેમાં વચ્ચે વચ્ચે પ્લે-કાર્ડ (શું ચાલી રહ્યું છે તે સમજાવતાં લખાણો) નથી આવતાં !

એનાથી યે અનોખી વાત એ છે કે ફિલ્મના તમામ દ્રશ્યોની સિચ્યુએશન જ એવી છે કે જેમાં ‘બોલવાની’ જરૂર જ નથી ! (છતાં સળંગ રીતે વાર્તા કહેવાય છે અને સમજાય પણ છે.) પુષ્પકમાં એક માત્ર દ્રશ્યમાં પાત્રો ‘બોલે’ છે પરંતુ ફિલ્મનો હીરો તેને કાચની બારીમાંથી જોઈ રહ્યો છે એટલે અહીં પણ ‘સંવાદો’ નથી !

જે હોલીવૂડમાં સાયલન્ટ ફિલ્મોએ કાઠું કાઢ્યું એ જ હોલીવૂડમાં ચાર્લી ચેપ્લીનથી લઈને છેક 2011માં ઓસ્કાર જીતનારી ‘ધ આર્ટિસ્ટ’ નામની ફિલ્મ સુધીનાં તમામ પાત્રો મોં હલાવીને, હાથ વાંકાચૂકા કરીને જે ‘અભિનય’ કરે છે તેને સમજાવવા માટે વચ્ચે વચ્ચે ‘પ્લે-કાર્ડ’ મુકવા પડ્યાં છે !

અને હા, પેલી ઓસ્કાર એવોર્ડ જીતનાર ફિલ્મ 'ધ આર્ટિસ્ટ' એક વરણાગીવેડાથી ભરપુર મામૂલી લવ સ્ટોરી જ હતી. જ્યારે 'પૂષ્પક' એક બેરોજગાર યુવાનની એવી અનોખી રીતે રજૂ થયેલી કહાણી હતી જેમાં એક તરફ અતિશય ધન દૌલતથી લઈને બીજી તરફ કંગાળ ભિખારીની વાત, એક બાજુ લગ્ન જીવનની છલના અને બીજી બાજુ નિર્દોષ પ્રેમની કહાણી, એક મહેનતકશ સફળ હોટેલિયર અને બીજો નોકરી શોધી રહેલો યુવાન... આ બધું જ વણી લીધા છતાં હળવેથી હસાવતાં છેલ્લા દ્રશ્ય વડે એક આશાનો સંદેશ આપી જાય છે.

છતાં ઓસ્કાર કોને મળે છે ? આપણે સતત વાહ વાહ કોની કરતા રહીએ છીએ ?

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment