60+ને સાચી સલાહો !

સોશિયલ મિડિયામાં સિનિયર સિટિઝનો માટે જાતભાતની ‘સોનેરી સલાહો’ આવતી રહે છે. જોકે અમે ‘સાચી સલાહ’ આપવામાં માનીએ છીએ…


***

સોનેરી સલાહ

વહીદા રહેમાન 84 વરસે ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે. તમે પણ ફોટોગ્રાફી શીખો.

સાચી સલાહ

વડીલ, ફોટા જરૂર પાડો ! પણ પોતાના મોબાઈલથી ઘરનાં બારી-બારણાં, થાળી-વાડકા અને દવા-ગોળીઓના ફોટા પાડવા ઉપરાંત પત્ની સાથે રોજ એક સેલ્ફી જરૂર પાડો ! સુખી રહેશો.

***

સોનેરી સલાહ

અમદાવાદના એક જાણીતાં 60+ ફેશન ડિઝાઈનર દર વરસે પર્વતારોહણ કરવા જાય છે. તમે પણ પહાડ ચડો.

સાચી સલાહ

ઓ કાકા, જો જાતે પગથિયાં ચડીને ધાબે જઈ શકતા હો તો વરસમાં એક વાર જ્યારે પાપડ-અથાણાંની સિઝન આવે ત્યારે ધાબે જઈને કાગડા-ખિસકોલીનું ધ્યાન રાખો ને ! દુઆ મળશે.

***

સોનેરી સલાહ

ઉંમર થઈ ગઈ એનો અર્થ એ નથી કે એ જ જુના મિત્રો સાથે જુની વાતો વાગોળ્યા કરો. અરે, નવા મિત્રો બનાવો.

સાચી સલાહ

બિલકુલ સાચી વાત છે વડીલ ! તમે જે મંદિરને ઓટલે રોજ બેસો છો એ છોડીને બીજાં મંદિરોના ઓટલે બેસવાનું શરૂ કરો. ત્યાં ‘નવા’ છતાં ‘ઘરડા’ મિત્રો મળશે ! એમની આગળ તો જુની વાતોનાં ‘ગપ્પાં’ પણ મારી શકશો. બોલો.

***

સોનેરી સલાહ

મિત્રો તથા સગાવ્હાલાંની વારંવાર ખબર અંતર પૂછતા રહો.

સાચી સલાહ

તમારા ફોનથી કતરાઈને સૌ આઘા ભાગે છે ? તો એક કામ કરો.

મોબાઈલ વડે ગમે તે નંબર લગાડીને કહો “હું હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું. ઘરમાં કોરોનાની સ્થિતિ જાણવા ફોન કર્યો છે. બધાં સારાં છો ને ? કોઈને કંઈ બિમારી તો નથી ને ? કોણ કોણ છે ઘરમાં… શું કરે છે… શું ભણે છે…”

***

- મન્નુ શેખચલ્લી

 

Comments