ભારતીય ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે ?


અગાઉના બે લેખ વાંચીને મારા એક FTIIમાં ભણેલા સિનેમેટોગ્રાફર મિત્રની કોમેન્ટ આવી કે હા, અમેરિકન (હોલીવૂડ) ફિલ્મોમાં એમના દેશની સમસ્યાઓ માટેની નિસ્બત દેખાતી નથી એવું કહીને આપણે અમેરિકન લોકો કરતાં ભલે સારા દેખાઈ શકીએ પરંતુ શું આવી ફિલ્મો સમાજને બદલી શકે છે ખરી ?

વેલ, ફિલ્મો સમાજને બદલે છે કે સમાજ ફિલ્મોને બદલે છે એ બહુ જુની ચર્ચા છે. છતાં આપણે એટલું તો કહી જ શકીએ કે છેક 1336માં બનેલી ‘અછૂત કન્યા’થી લઈને થોડા સમય પહેલાં બનેલી ‘આર્ટિકલ 35A’ સુધીમાં ઊંચી જ્ઞાતિ અને નીચી જ્ઞાતિ વચ્ચેના ભેદભાવને ફિલ્મકારોએ તો પરદા ઉપર લાવવાની સતત કોશિશો કરી જ છે, છતાં હજી ક્યાં આ સમસ્યા દૂર થઈ છે ?

બીજી બાજુ એમ પણ કહી શકાય કે આજનાં જે શહેરી મા-બાપ છે એમણે જો એમના જમાનાની સામાજિક અને રોમેન્ટિક ફિલ્મો ના જોઈ હોત તો હજી પણ આપણો શહેરી સમાજ ઇન્ટર-કાસ્ટ કે ઇન્ટર રિલીજન મેરેજો થવા જ દેતો ના હોત !

હકીકતમાં હિન્દી (કે સાઉથમાં એમની ભાષાની) ફિલ્મોએ આખેઆખી પેઢીઓનાં લગ્ન બાબતના જુનવાણી માઇન્ડસેટ બદલવામાં બહુ મોટો ફાળો ભજવ્યો છે. આજે દેશમાં મેટ્રો-સિટી, મિડિયમ શહેરો અને અંતરિયાળ ગામડાંઓના સામાજિક માઇન્ડ-સેટમાં જે ઊડીને આંખે વળગે એવો તફાવત દેખાય છે તેમાં ફિલ્મોની (સારી કે ખરાબ) અસર થઈ છે એનો ઇન્કાર કરી શકાય ખરો ?

સવાલ અમેરિકન ફિલ્મોને નિસ્બત વિનાની બતાડીને હરખાઈ જવાનો છે જ નહીં, પરંતુ આપણે આપણા દેશના પ્રેક્ષકો માટે કેવી કેવી ફિલ્મો બનાવી ચૂક્યા છીએ અને કેવી ફિલ્મો બનાવી રહ્યા છીએ એ તરફ જરા ખુલ્લા દ્રષ્ટિકોણથી નજર નાંખવી જોઈએ. એમાંય 10-15 વરસમાં તો હિન્દી ફિલ્મોમાં જે અદ્ભૂત વેરાઇટી આવી છે એ ભાગ્યે જ કોઈ બીજા દેશમાં જોવા મળી હશે.

તમે મને કહો, પુરુષના ઉત્થાનની સમસ્યા ઉપરથી ‘શુભ મંગલ સાવધાન’ જેવી પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી બિન-અશ્લીલ અને નિર્દોષ કોમેડી બીજા કયા દેશમાં બની છે ? 

પત્ની જાડી હોય અને પતિ બિચારો કમાતો ન હોય એવાં લગ્નજીવનની વાર્તા ‘દમ લગા કે હઈશો’ બીજા કયા દેશે પરદા ઉપર બતાડી ? 

અરે, ભરજુવાનીમાં માથાના વાળ ખરવા માંડેએ તો આખી દુનિયામાં ફેલાયેલી સમસ્યાછે ! છતાં ‘બાલા’ જેવી હલ્કી-ફૂલકી છતાં અંતમાં એક પોઝિટીવ મેસેજ આપતી ફિલ્મ બીજા કોઈ દેશે બનાવી છે ખરી ?

લિસ્ટ લાંબુ છે.. શુક્રાણુઓના દાતા વિશેની ‘વિકી ડોનર’ જેવી ફિલ્મ, કયા દેશે બનાવી છે ? શું કોઈ થર્ડ વર્લ્ડ કન્ટ્રીએ ‘ટોઈલેટ’ જેવી સમસ્યા ઉપર મનોરંજક અને સુપરહિટ ફિલ્મ બનાવી છે ખરી ? છોકરીનો અવાજ કાઢીને લોકોની જિંદગી સુધારવાની કોશિશ કરતા જુવાનની સ્ટોરી ‘ડ્રીમગર્લ’માં આવી ગઈ. આવાં કોલ સેન્ટરો તો આખી દુનિયામાં છે પણ કયા દેશે આવી ફિલ્મ બનાવી ? 

અરે, ‘પ્યાર કા પંચનામા’ (1 અને 2) નામની ફિલ્મોમાં જે બિન્દાસ્ત સ્ટાઈલમાં છોકરીઓને ‘ખતરનાક જાળ’ તરીકે રજુ કરાઈ છે. (જે હકીકતમાં તો રોમાન્સમાં મુરખ બનેલા દર ત્રીજા યુવાનની દાસ્તાન છે.) એવી ફિલ્મો લવ રંજન સિવાય ઇન્ડિયામાં પણ કોણે બનાવી છે ?

અચ્છા, જો તમને કોઈ કહે કે હું ‘કબજિયાત’નો સબ્જેક્ટ લઈને બાપ-દિકરીના સંબંધો ઉપર એક ફિલ્મ બનાવવા માગું છું, તો તમે એને પાગલ જ કહેશો ને ? પણ શુજિત સરકારે ‘પિકુ’ બનાવી અને હિટ પણ ગઈ.

ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ભાષામાં પણ આવી તદ્દન નવા જ વિષયો ઉપર ફિલ્મો બની રહી છે. હોલીવૂડની ફિલ્મોથી જેને ઇમ્પ્રેસ થવું હોય તે ભલે થતા રહે, મારું માનવું છે કે હિન્દી (અને ભારતીય) સિનેમાનો આ ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે.

બાય ધ વે, દુરદર્શન ઉપર જ્યારે રામાયણ, મહાભારત, નુક્કડ, માલગુડ્ડી ડેઈઝ, ઉડાન, ચાણક્ય, બ્યોમકેશ બક્ષી, ફ્લોપ શો, ભારત એક ખોજ તથા બુનિયાદ જેવી સિરીયલો ચાલતી હતી ત્યારે પણ અમે આવું જ કહેતા હતા ! ફરક એટલો જ કે છેક 25 વરસ પછી બીજા ‘મહાન’ વિવેચકોને તેનું ભાન થયું ! 

***

-મન્નુ શેખચલ્લી

Comments

  1. હવે પછી આવા વિષયને લાગતા લેખમાં *મન મરજિયાં* નો ઉલ્લેખ કરવા જેવો છે.

    ReplyDelete
  2. આભાર સાહેબ !
    એમ તો ડઝન કરતાં વધુ ફિલ્મો છે પરંતુ દિવ્ય ભાસ્કરમાં લેખની લંબાઈ ઓછી મળે છે.
    છતાં, ફરી ક્યારેક આ વિષય પર લખવાનું થાય તો મનમર્ઝિયાં યાદ રાખીશ.
    ધન્યવાદ 🙏

    ReplyDelete

Post a Comment