વરસાદ પછી શહેરના રસ્તાઓમાં જે વિવિધ પ્રકારના ખાડા પડી ગયા છે તેના હિસાબે તેને વિવિધ પ્રકારની સવારીઓમાં વહેંચી શકાય…
***
ઘોડેસવારી માર્ગ
આ રસ્તાઓ ઉપર તમે વાહન લઈને નીકળો તો તમે સતત એ રીતે ઉછળતા રહેશો કે જાણે ઘોડા ઉપર સવારી કરી રહ્યા છો !
***
ગધ્ધાસવારી માર્ગ
અમુક રસ્તાના ખાડા એવા છે કે જાણે તમે ગધેડા ઉપર સવારી કરતા હો અને જો ગધેડાની કમાન છટકે તો તમને ઉથલાવીને ફેંકી દેતા વાર નહીં લાગે !
***
ઊંટસવારી માર્ગ
આ માર્ગોમાં એટલા ઊંડા ખાડા પડ્યા છે કે કઈ ઘડીએ ઊંટ ઊભું થઈ જાય ને તમે ઉથલી પડો, કે કઈ ઘડીએ ઊંટ બેસી પડે ને તમે ઊંધે માથે ખાડામાં પડો તે કહી ના શકાય !
***
ડિસ્કો માર્ગ
આ માર્ગોમાં ખાડા એટલા નિયમિત અંતરે આવે છે વાહનમાં બેઠાં બેઠાં તમને ડિસ્કો ડાન્સ કરતા હોવાની ફિલીંગ મળે છે ! વાઉ.
***
રૉક માર્ગ
આ રસ્તાઓને રૉક-મ્યુઝિક સાથે કોઈ લેવાદેવા નથી. આ તો રસ્તાઓ ઉપર માર્ગને બદલે માત્ર રૉક્સ (પથરા) જ જોવા મળે છે એટલે !
***
સાપ-સીડી માર્ગ
બાળપણની જાણીતી બોર્ડ-ગેઈમની જેમ અહીં ઘડીકમાં આગળ વધવાનું હોય છે. તો ઘડીકમાં પાછા આવવું પડે છે !
***
નદી કે પહાડ માર્ગ
આમાં બાળપણની રમતની જેમ ચોઈસ આપવામાં આવે છે કે રસ્તામાં જે ઊંડા ખાબોચિયાં છે તેમાંથી જવું છે કે ઊંચા ઊંચા ટેકરા થઈ ગયા છે તેની ઉપરથી જવું છે !
***
હરિનો માર્ગ
આ તો સાવ સિમ્પલ છે ! Hurry નો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ, જો ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment