ખાસ માર્ક કરજો...

અમુક વાતો એવી હોય છે કે આપણે જરા ધ્યાનથી માર્ક કરીએ તો જ નજરે ચડે છે. જેમકે..

***


તમે ખાસ માર્ક કરજો…

જે લોકો લોકડાઉન વખતે 4 રૂપિયાની માવાની પડીકીના 40 રૂપિયા આપી દેતા હતા એ જ લોકો આજે સોના ચાંદીના ભાવની ફરિયાદ કરે છે !

***

તમે ખાસ માર્ક કરજો…

જે સગા સંબંધીને મેરેજમાં આમંત્રણ પત્રિકા ના મોકલાઈ હોય એ તમામ લોકોને ફોનમાં એમ સમજાવવામાં આવે છે કે “બસ, તમારો નંબર એકાવનમો જ હતો !”

***

તમે ખાસ માર્ક કરજો…

પતિના ખિસ્સામાંથી જે છુટા પૈસા મળતા હતા તે બંધ થઈ જવાને કારણે જ પત્નીઓ પતિ પાસે ઘરનાં સત્તર કામો કરાવીને બદલો લે છે !

***

તમે ખાસ માર્ક કરજો…

શાકભાજી લેવા ગયેલો પતિ હંમેશાં બચેલા પૈસામાંથી સિગારેટ કે માવાનો મેળ પાડી જ દેતો હોય છે !

***

તમે ખાસ માર્ક કરજો…

લોકડાઉનમાં જે પેટ વધી ગયાં છે તેમાં બહારની દુકાનોના સમોસા, કચોરી, દાળવડા, જલેબી, ફાફડા કે ખમણ-ઢોકળાંનો કોઈ જ ફાળો નથી !

***

તમે ખાસ માર્ક કરજો…

ફરસાણની દુકાનો ઉપર પહેલાં જેવી ઘરાકી કેમ નથી ? કારણ કે લોકો ઘરે બનાવેલાં ફરસાણથી ટેવાઈ ગયા છે !

***

અને તમે ખાસ માર્ક કરજો…

વર્ક ફ્રોમ હોમમાંથી છૂટેલો કર્મચારી હોંશે હોંશે એક કલાક વહેલો ઓફિસે પહોંચી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments