કોયડો અને ઉકેલ ?!


વોટ્સએપ ઉપર એક રમૂજી કોયડો ફરે છે જે આ મુજબ છે :

કોયડો

એક હોટલમાં એક ગ્રાહક આવે છે. હોટલના કાઉન્ટર ઉપર 2000 રૂપિયાની નોટ મુકીને તે કહે છે કે અમારે અહીં રહેવા આવવાનું છે એટલે હું રૂમો જોવા માગું છું.

ગ્રાહક દાદરો ચડીને રૂમો જોવા જાય છે ત્યાં તો હોટલનો માલિક 2000ની નોટ લઈને સીધો દોડે છે ઘીવાળાને ત્યાં….

ઘીવાળાને 2000ની નોટ આપીને કહે છે કે આજ સુધીનો તારો  તમામ હિસાબ ચૂક્તે ! ઓકે ?

ઘીવાળો 2000ની નોટ લઈને દોડ્યો દૂધવાળા પાસે ! તેણે કહ્યું, લે, આ 2000 રૂપિયા, આપણો આગળનો હિસાબ ચૂક્તે !

દૂધવાળો દોડ્યો ભેંશવાળા પાસે ! 2000ની નોટ આપતાં કહે છે, લે ભાઈ મારો અત્યાર સુધીનો હિસાબ ક્લિયર !

ભેંશવાળો  પહોંચ્યો ચાર ઘાસવાળા પાસે ! સૌને 500-500 ચૂકવતાં કીધું કે લો , આપણો હિસાબ ચૂક્તે !

હવે ચારે ચાર ઘાસવાળા ભેગા થઈને પહોંચ્યા પેલી હોટલે ! …. જઈને પેલી 2000ની નોટ પાછી હોટલના કાઉન્ટર ઉપર મૂક્તાં બોલ્યા : “અમે અત્યાર સુધી જે ઉધારીમાં ખાધું-પીધું તેના પૈસા ચૂક્તે થઈ ગયા ! ઓકે ?”

એવામાં પેલો કસ્ટમર ઉપરથી નીચે આવ્યો. તેણે કહ્યું “મને એકપણ રૂમ પસંદ નથી પડ્યો.” એમ કહીને તેણે પોતાની 2000ની નોટ પાછી લઈ લીધી અને ચાલતો થયો !

સવાલ એ છે કે કોઈના ખિસ્સામાંથી કશું ગયું નથી છતાં આ થયું શી રીતે ?

ઉકેલ

બહુ સિમ્પલ છે. પેલો જે ગ્રાહક છે તે ‘વર્લ્ડ બેન્ક’ છે !
હોટલ છે તે ‘સરકાર’ છે !

...અને આ જે ચાર ઉધારીયા ઘાસવાળા છે તે મફતની સબસીડી લેનારાઓ, લોન લઈને ટોપી કરનારાઓ, કરદાતાઓના રૂપિયાનું કૌભાંડ કરનારા ભ્રષ્ટાચારીઓ છે !

ફરક એટલો જ છે કે વર્લ્ડ બેન્ક 2000ની નોટ આપીને ઉપરથી બીજા 2000નું ‘વ્યાજ’ વસૂલે છે ! (જે ના ચૂકવી શકો તો બીજા 4000ની લોન આપે છે.)

જો પેલા ઉધારીયા, મફતિયા અને કરુબાજોએ એમના પૈસા નિયમિત રીતે ચૂકવી દીધા હોત તો વર્લ્ડ બેન્કની જરુર જ ના પડી હોત ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments