માસ્કનો 'હજારી' મુશાયરો !


લો, હવે જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો રૂપિયા 1000નો દંડ લાગશે ! આ જ વાત ઉપર ગુજરાતના નામી શાયરોની માફી સાથે આ મુશાયરો સાંભળો...

***

બુકાની બાંધી ફરનારાનું

આ નગર છે દોસ્તો,

બુકાની ખોલીને ચાલું

તો દંડ હજારનો લાગે છે !

(માફી : મનોજ ખંડેરીયા)

***

રસીદ ફાટ્યા પછી

એટલું સમજાય છે,

ચહેરાની કિંમત નથી

કેવળ માસ્કથી બચાય છે !

(માફી : રાજેન્દ્ર શુક્લ)

***

મારી હસ્તી મારી સામે

એ રીતે હણાઈ ગઈ,

છતે ઉઘાડે ચહેરે

રસીદ એક કપાઈ ગઈ !

(માફી : ઓજસ પાલનપુરી)

***

બધો આધાર છે

હવાલદારના જોવા પર,

સસ્તામાં નથી મળતા

માસ્ક પહેર્યાના પુરાવા !

(માફી : મરીઝ)

***

જઈ શકું હું કઈ રીતે

માસ્કને ‘પહેર્યા’ વગર,

નગ્નતાનો દંડ છે

આજે કંઈક હજાર ઉપર !

(માફી : મનહર મોદી)

***

તફાવત એ જ છે તારા

અને મારા વિશે, પોલીસ,

તું રસીદો ફાડે છે

હું મારું ખિસ્સું સાંધુ છું !

(માફી : અમૃત ઘાયલ)

***

લુંટાયા બેફામ સૌ મારા

નગરમાં એ જ કારણથી,

હતો મારો જ ચહેરો

ને મારી બુકાની નહોતી !

(માફી : બેફામ)

***

માસ્કને ઇસ્ત્રી કરી

મેં સાચવી રાખ્યા ’તા

ક્યાંક અણધાર્યા પ્રસંગે

મોં છુપાવવાનું થાય તો !

(માફી :  અનિલ ચાવડા)

***

- મન્નુ શેખચલ્લી

Comments