નવાં ગીતોની ઝાટકણી કાઢતા સાત લેખોની શ્રેણીમાં મેં ક્યાંક લખ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં ગીતો ઘણીવાર સૂત્રધારનું કામ કરે છે. તે પાત્રોની બારીકમાં બારીક મનોસ્થિતિનું બયાન કરવાની સાથે સાથે વીતી ગયેલી ઘટનાઓનું વિશ્લેષણ કરે છે અને આવનારી ઘટનાઓનો સંકેત પણ આપે છે.
ગાઈડના ગીતો શૈલેન્દ્રએ લખ્યાં હતાં. એનાં એકે એક ગીતમાં ક્યાંકને ક્યાંક આ લાક્ષણિક્તા પ્રગટ થાય છે. સાવ સાદા સીધા લાગતા શબ્દોમાં બહુ ઊંડી અને ઊંચી વાત કહી દેવી તે શૈલેન્દ્રની ખૂબી હતી. ફિલ્મનું પહેલું જ ગીત જુઓ... ‘વહાં કૌન હૈ તેરા, મુસાફિર જાયેગા કહાં...’
ફિલ્મની વાર્તામાં દેવઆનંદ એક ગાઈડ છે. અહીં ફિલ્મની શરૂઆતમાં તો તે જેલમાંથી છૂટ્યો છે અને છેક કોઈ જુના મંદિરના ખંડેરે પહોંચે ત્યાં સુધી આ ગીત ચાલે છે. ( દરમ્યાનમાં ટાઈટલ્સ પડી રહ્યાં છે.) સ્ટોરીમાં હજી સ્પષ્ટતા નથી કે આ માણસ કોણ છે ? છતાં શૈલેન્દ્ર હિન્ટ આપે છે... ‘મુસાફિર’… જાયેગા કહાં ? મતલબ કે હવે એ ‘ગાઈડ’ નથી રહ્યો, એક મામૂલી ‘મુસાફર’ છે ! (જિંદગીના સફરનો મુસાફર તો દરેક વ્યક્તિ હોય છે. એ ફિલોસોફી તો ખરી જ.)
આગળના અંતરામાં શૈલેન્દ્ર સ્પષ્ટ હિન્ટ આપતા લખે છે : “તૂને તો સબ કો રાહ દિખાઈ, તૂ અપની મંઝિલ ક્યું ભૂલા....”
જોયું ? એક ગાઈડ તરીકે તો એ બીજાઓને રસ્તો બતાડતો રહ્યો, પણ આજે ખુદ અટવાયો છે ! ‘સુલઝા કે રાજા, ઔરોં કી ઉલઝન, ક્યું કચ્ચે ધાગોં મેં ઝૂલા...’ ફરી એ જ વાત છે પણ જુદા શબ્દોમાં !
પરંતુ ત્રીજી પંક્તિમાં શૈલેન્દ્ર ત્રણ જ સાદા શબ્દોમાં કટાક્ષ કરે છે “ક્યું નાચે સપેરા ?”
જેમણે ફિલ્મ જોઈ છે એને યાદ હશે કે ફિલ્મમાં રોઝી (વહીદા રહેમાન) એક નૃત્યાંગના છે અને તે કોઈ નાગણની સામે ડાન્સ કરવા માગતી હોય છે. આગળ જતાં રાજુ (દેવઆનંદ) રોઝીને ફેમસ ડાન્સર બનાવે છે. એ અર્થમાં તો ખુદ રાજુ ‘સપેરા’ (મદારી) બન્યો કહેવાય ને !... તો શૈલેન્દ્ર પૂછે છે : “ક્યું નાચે સપેરા ?” મતલબ કે એવું તે શું થયું કે ખુદ મદારી નાચતો થઈ ગયો ?
ફિલ્મ સુપરહિટ હતી. ગીતો એથી પણ વધારે હિટ હતાં. આપણે હજી સુધી આ ગીતો ગાતાં રહીએ છીએ પરંતુ કદી વિચાર નથી આવતો કે શૈલેન્દ્રએ ફિલ્મની સ્ટોરી શરૂ થતાં પહેલાં જ કેટલી બધી વાતોના સંકેત આપી દીધા હતા ! ગીતની ખરી મઝા એ છે કે આખી ફિલ્મને યાદ કરીએ તો પાછળથી (ભલે વરસો પછી) શૈલેન્દ્રના ગીતનો 'મર્મ' સમજાય છે !
બસ આ હતી શૈલેન્દ્રની માસ્ટરી ! ‘ગાઈડ’નું બીજું ગીત તો ખરેખર એકસ્ટ્રા ઓર્ડિનરી છે. રોઝી પોતાના પતિને છોડીને રાજુ સાથે ભાગી નીકળે છે... ડાન્સર બનવા માટે ! રાજુ સાથે એને માંડ પંદર દિવસનો પરિચય છે, છતાં તેણે આ જોખમ લીધું છે. આગળ ભવિષ્યમાં તે ખરેખર ડાન્સર બની શકશે કે કેમ એ પણ ખબર નથી. છતાં નવી જિંદગીની શરૂઆતનો ઉન્માદ છવાયેલો છે... તો અહીં શૈલેન્દ્ર શું લખે છે ?
‘કાંટો સે ખીંચ કે યે આંચલ, છોડ કે બંધન બાંધી પાયલ..’
અહીં બે બંધનની વાત છે. એક, તેના પતિના બંધનમાંથી છૂટી, તે માટે લખ્યું છે ‘કાંટો સે ખીંચ કે યે આંચલ...’ પણ તરત જ બીજી પંક્તિમાં લખ્યું છે કે “છોડ કે બંધન બાંધી પાયલ..” મતલબ કે એક બંધન તો છૂટ્યું છે પણ બીજું નવું બંધન પગમાં બાંધી લીધું છે !
શૈલેન્દ્ર આગળ લખે છે “આજ ના રોકો મેરે દિલ કી ઉડાન કો, દિલ વો ચલા... આહાહા...”
બરોબર છે. રોઝીની આઝાદીની વાત છે. પરંતુ એ પછી તરત જ ગીતના શબ્દો છે : “આજ ફિર જીને કી તમન્ના હૈ... આજ ફિર મરને કા ઇરાદા હૈ...”
જરા વિચારો, શૈલૈન્દ્રએ ‘મરને કા ઇરાદા’ જેવા શબ્દો કેમ લખ્યા હશે ? કારણ કે ખુદ રોઝી જાણે છે કે આ હવે જીવન-મરણનો ખેલ છે. એક તરફ જીવવાની તમન્ના પણ છે તો બીજી તરફ મરવા સુધી જવાનો મક્કમ ઇરાદો છે !
‘ગાઈડ’ના ગીતોમાં ખરેખર ઘણું ઊંડાણ છે. વધુ વાતો આવતા સપ્તાહે...
***
Comments
Post a Comment