હેં? કાર્ડ-બોર્ડ પ્રેક્ષકો ?!


લો બોલો ! હવે કપિલ શર્માના શોમાં રીયલ પ્રેક્ષકોને બદલે કાર્ડ-બોર્ડના કટ-આઉટ બેસાડવામાં આવશે ! આ હિસાબે તો...

***

યાર, ટ્રમ્પ સાહેબની વધુ એક વિશાળ સભા મોટેરા સ્ટેડિયમમાં કરી શકાય !

***

અરે, બિહારમાં ચૂંટણીઓ માટે જે ઓનલાઈન ભાષણ કરીને ઠેર ઠેર ટીવી લગાડવાં પડે છે એના બદલે મોટા મેદાનમાં કાર્ડ-બોર્ડ પ્રેક્ષકોની રેલીઓ જ કરવા માંડો ને !

***

અમે તો કહીએ છીએ કે ભાજપે આ રીતનાં લાખ બે લાખ કાર્ડ-બોર્ડ પ્રેક્ષકો બનાવીને, ટ્રકોમાં ભરીને તૈયાર જ રાખવાં જોઈએ ! આવી જાવ...

***

કાર્ડ-બોર્ડ પ્રેક્ષકો તો સસ્તા પણ પડે ! ના ફૂડ-પેકેટો આપવાં પડે, કે ના સભા પતે પછી ‘પોટલીઓ’ પકડાવવી પડે !

***

મલ્ટીપ્લેક્સોમાં ‘સોશિયલ ડિસ્ટન્સ’ જાળવવા માટે દર બીજી સીટમાં કાર્ડ-બોર્ડ પ્રેક્ષક બેસાડી દો ! શો હાઉસફૂલ લાગશે...

***

અરે, એ હિસાબે તો હવે જાહેરમાં કવિ-સંમેલનો પણ કરી શકાય ! સ્ટેજ ઉપર 12 કવિઓ...

અને હોલમાં 1200 ‘રસિક-શ્રોતાઓ’ !

***

કવિ-સંમેલનમાં ‘વાહ વાહ’ની ચિંતા કરો છો ? 

અરે ભાઈ, કપિલ શર્માના શોમાં જે રીતે ખડખડાટ હાસ્યોની ‘ઓડિયો-ક્લિપ’ વગાડશે એ જ રીતે આપણે ‘દુબારા.... દુબારા....’ કરાવી લઈશું !

***

અમુક નેતાઓ તો અત્યારથી  આ દિશામાં વિચારવા માંડ્યા છે કે વિધાનસભામાં પણ કાર્ડ-બોર્ડ બેસાડી દીધાં હોય તો શો વાંધો છે ?

***

જોકે... ખરો પ્રોબ્લેમ કોંગ્રેસમાં છે ! અહીં આખી પાર્ટીમાં 90 ટકા સભ્યો કાર્ડ-બોર્ડ જ છે ! ઉલ્ટું, જે ‘અવાજ’ કરે છે એને જ કાઢી મુકે છે...

***

- મન્નુ શેખચલ્લી

Comments