સોશ્યલ ડિસ્ટન્સમાં ફિલ્મ શૂટિંગ ?


લો, હવે હિન્દી ફિલ્મોનાં શૂટિંગો શરૂ થઈ જવાના છે ! પરંતુ આ કોરોના-ટાઈમ્સમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળવા શું શું કરવું પડશે ?

***

હીરો-હિરોઈને એકબીજા વચ્ચે મિનિમમ 1 મીટરનું અંતર રાખીને ‘અડ્યા વગર’ વાત કરવી !

***

લવ-સીન વખતે ધીમા અવાજે કાન પાસે મોં નાંખીને વાતો કરવાને બદલે સામસામે ઊભા રહીને મોબાઈલથી ચુમ્મા-ચાટી તથા વાતચીત પતાવી લેવી !

***

કીસનો સીન હોય ત્યારે સામસામે બે માસ્ક અથડાવી લેવાં ! (જુની ફિલ્મોમાં ફૂલો અથડાવતા હતા, તેમ !)

***

ફાઇટિંગ સીનમાં વિલનો તથા ટપોરીઓને ખાસ સૂચના છે કે હાથોહાથની મારામારી, તથા બથ્થંબથ્થા ટાઈપની ફાઈટ એલાઉડ નથી !

***

એના બદલે ઇંટ, ઢેખાળા, પથ્થર, છુટ્ટી લાકડીઓ તથા સળિયા મારવા વગેરે ટાઈપની ફાઈટો કરીને ચલાવી લેવું !

***

જોકે સ્વાસ્થ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ તો સૌથી સારી ફાઈટ પિસ્તોલ, ગન, મશીનગન, હેન્ડ ગ્રેનેડ, બોમ્બ તથા મિસાઇલ લોન્ચર વડે જ ‘સેઇફ’ ગણાશે !

***

ગાયનોમાં ડાન્સરોને નચાવવા માટે ફ્લોર ઉપર વ્યવસ્થિત રીતે કુંડાળા ચીતરવાના રહેશે !

***

હાથોહાથની ફાઈટ માટે પણ કુંડાળાં દોરવાં ! અને કુંડાળાની બહાર નીકળ્યા વિના જ મારામારી કરવી !

***

ફિલ્મમાં ગુન્ડાઓ તથા રાજકારણીઓ દેશને બરબાદ કરવા હાથ મિલાવે છે એવું દ્રશ્ય ભજવતી વખતે બન્ને જણાએ હાથમાં ગ્લોવ્ઝ પહેરવાં ફરજિયાત છે !

- દેશને ભલે બરબાદ કરો, પણ સ્વાસ્થ્યનું ધ્યાન પહેલાં રાખો !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments