જોખમ ગાઈડ... ટુ !


અન-લોક પિરિયડમાં ક્યાં કેટલું જોખમ લેવું ? લો, પ્રસ્તુત છે ગ્રીન, ઓરેન્જ અને રેડ જોખમોનું વર્ગીકરણ…

***

ગ્રીન જોખમ

ધોયા વિનાનું, સુકવ્યા વિનાનું, વાસી માસ્ક પહેરીને સેલ્ફી લેવી.

ઓરેન્જ જોખમ

પાડોશીનું, ભાઈબંધનું અથવા ગર્લ-ફ્રેન્ડનું રંગીન ડિઝાઈનવાળું (ધોયા વિનાનું) માસ્ક પહેરીને સેલ્ફી લેવી.

રેડ જોખમ

ફૂટપાથ ઉપર રંગબિરંગી માસ્ક વેચતા છોકરા પાસે છ-સાત માસ્ક વારાફરતી (અને એક સાથે) પહેરીને સેલ્ફીઓ લેવી !

***

ગ્રીન જોખમ

નદી કિનારે સોશિયલ ડિસ્ટન્સ રાખીને બ્રાહ્મણ પાસે  કોઈ ધાર્મિક વિધિ કરાવવી અને પોલીસ આવે તો દલીલો કરવી.

ઓરેન્જ જોખમ

દૂરના કોઈ સગાની સ્મશાનયાત્રામાં જઈને નદી કિનારે અસ્થિ પધરાવવાને બહાને ડૂબકી લગાવવી અને પછી પોલીસ જોડે ભીના કપડે દલીલો કરવી.

રેડ જોખમ

છાપામાં કે ટીવીમાં આપણો જોરદાર ફોટો આવશે એવી આશામાં કોવિદ-19ના દર્દીઓની 101 લાશોની અંતિમવિધિ કરવાનો રેકોર્ડ કરવાનો સંકલ્પ કરવો ! (અને સ્મશાનમાં ડાઘુઓ જોડે દલીલો કરવી.)

***

ગ્રીન જોખમ

મંદિરના ઓટલે બેસીને "સમાજના બગડતા જતા સંસ્કાર" વિશે ઉગ્ર ચર્ચાઓ કરવી.

ઓરેન્જ જોખમ

ચાર રસ્તે પોલીસ પકડે ત્યારે "કાયદો અને વ્યવસ્થાના ખોટી રીતના અમલ" વિશે ઉગ્ર ચર્ચાઓ કરવી.

રેડ જોખમ

હોસ્પિટલના ‘કોવિદ’ વોર્ડમાં જઈને ત્યાંની "તમામ વ્યવસ્થા" વિશે દર્દીઓને ઉશ્કેરીને સ્ટાફ જોડે ઉગ્ર ચર્ચાઓ કરવી !

***

- મન્નુ શેખચલ્લી

Comments