શૈલેન્દ્ર : છોટી સી એક બુંદ સહી...


જે રીતે ફિલ્મોના ડાયલોગ્સમાં અમુક ‘તાલીમાર’ ડાયલોગ્સ હોય છે એ રીતે ગીતોમાં પણ અમુક ‘ચબરાકીયાં’ ગાયનો હોય છે. આનંદ બક્ષી આમાં માહિર હતા. એમણે જાતજાતનાં ગાયનો લખ્યાં... સંતાકૂકડીનું (મૈં ઢુંઢું તૂ છૂપ જા...) બેડમિંગ્ટનનું (ઢલ ગયા દિન, હો ગઈ શામ) ઉખાણાંથી ભરેલું ગાયન (વો કૌન હૈ, વો કૌન હૈ) વાતચીત કરતા હોય એવું (અચ્છા તો હમ ચલતે હૈં...) વગેરે.

જોકે શૈલેન્દ્ર આવી ચમત્કૃતિ ટાઈપનાં ગાયનોથી દૂર જ રહ્યા. છતાં જ્યારે એમણે આવી કોશિશ કરી હોય અને છવાઈ ગયા હોય એવાં માંડ બે જ ગીતો યાદ આવે છે...

મારું પહેલું ફેવરીટ ગાયન ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ નું છે. જેમાં ગીત વડે સામસામો મુકાબલો થઈ રહ્યો છે :

“હમ ભી હૈં, તુમ ભી હો, 
દોનોં હૈં આમને સામને...”

આમાં એક અંતરામાં પ્રાણનો બળિયો સાથી કહે છે :
“હમ ગાતે ગરજતે સાગર હૈં, 
કોઈ હમ કો રોક નહીં પાયા...”
આગળ એ જ વાતનો ફાંકો બરકરાર રાખીને કહે છે
હમ મૌજ મેં જબ ભી લહરાયે, 
સારા જગ હમ સે થરૉયા...”

જવાબમાં રાજકપૂર એક જ લાઈન ગાય છે :
હમ છોટી સી એક બુંદ સહી, 
હૈ સીપને જિસ કો અપનાયા...”
અને તેને પદ્મિનીની દાદ મળી જાય છે :
“ઓય હોય હોય.. !!”

રાજકપૂર આગળ ગાય છે :
ખારા પાની કોઈ પી ન સકા, 
એક પ્યાર કા મોતી કામ આયા
એક પ્યાર કા મોતી કામ આયા !”

અહીં મુકાબલો પ્રાણ, જે ડાકુઓનો સરદાર છે તેની પૌરુષી તાકાત અને તેની સામે ભોળા રાજકપૂરનો છે, જે આ ડાકુઓની વચ્ચે એક પ્રેમનો સંદેશો લઈને આવ્યો છે. શંકર-જયકિશનની ધૂનને પણ દાદ આપવી પડે પણ ખરી ખૂબી શૈલેન્દ્રની છે. 

એક બાજુ શૈલેન્દ્ર ખારા સાગર (સમુદ્ર)ની તાકાત બતાવે છે અને બીજી બાજુ એક નાનકડું મીઠા પાણીનું ટીપું, જો કોઈ ચોક્કસ નક્ષત્રમાં દરિયાના પેટાળમાં પડેલી સીપમાં જઈ પડે તો મોતી બની જાય છે, એવી વાયકાનો ઉપયોગ કરીને નાનકડી બુંદને પ્રેમ સાથે સરખાવે છે.

ઉપરથી ટોણો મારે છે કે ખારું પાણી કોઈ પી  નહિ શકે, આ પ્રેમનું એક મોતી કામમાં આવશે !

આ ગીતના બીજા બે અંતરામાં પણ આવી જ સુંદર સરખામણીઓ છે. તમે સાંભળશો અથવા યાદ કરશો તો શૈલેન્દ્રની આ ક્યારેક જ ઝળકતી ખુબી પર ધ્યાન જશે !

બીજું એવું જ ચમત્કૃતિવાળું ગાયન ફિલ્મ ‘સસુરાલ’નું છે. એમાં હીરો હિરોઈન વચ્ચે સ્ટેજ ઉપર એક જાતની સ્પર્ધા છે પરંતુ સ્પર્ધાના અઘરા નિયમો ખુદ શૈલેન્દ્રએ મુખડામાં જ સેટ કરી દીધા છે :

એક સવાલ મેં કરું, 
એક સવાલ તૂમ કરો...
હર સવાલ કા સવાલ હી
જવાબ હો !”

મતલબ કે સવાલના જવાબમાં તમે ‘સવાલ’ જ કરી શકો ! છતાં સવાલ એવો હોવો જોઈએ કે જેમાં ‘જવાબ’ મળે ! યાદ કરો આ અંતરો :

પ્યાર કી બેલા, સાથ સજન કા, 
ફિર ક્યું દિલ ગભરાયે ? 
નૈહર સે જાતી દુલ્હનિયાં
ક્યું નૈના છલકાયે ?”

મતલબ કે પ્રેમાળ સમય છે, સાજનનો સાથ છે છતાં પિયરથી વિદાય થતી દુલ્હન શા માટે રડે છે ?

જવાબ તો સવાલના રૂપમાં જ હોવો જોઈએ ને ! અહીં શૈલેન્દ્ર થોડા ફિલોસોફિકલ થઈને લખે છે :

હૈ માલુમ કિ જાના હોગા, 
દુનિયા એક સરાય, 
ફિર ક્યું જાતે વક્ત મુસાફિર
રોયે ઔર રૂલાયે ?”

આ દુનિયા સરાય યાને મુસાફરખાનું છે એવી ખબર છે, છતાં જે જઈ રહ્યો છે તે ‘જીવ’ શા માટે પોતે પણ રડે છે અને બીજાઓને પણ રડાવે છે ? ગીતના બીજા બે અંતરા યુ-ટ્યુબ પરથી શોધીને સાંભળવા જેવા છે.

અહીં સિચ્યુએશન તો રોમેન્ટિક તૂ-તૂ  મૈં-મૈં  ટાઈપની નોંક-ઝોકની જ હતી, છતાં શૈલેન્દ્રની ઊંચાઈ અને ઊંડાઈને જુઓ ! બસ, આ જ ખુબી શૈલેન્દ્રને સ્પેશીયલ બનાવે છે.

(આવતા સપ્તાહે ‘ગાઇડ’નાં ગીતો વિશે થોડી વધુ વાતો)

***

- મન્નુ શેખચલ્લી

Comments