સોનિયાજીની પાંચ તકલીફો !


રાજસ્થાનમાં જે બન્યું એ પછી કોંગ્રેસ પાર્ટીમાં સવાલો ઊઠી રહ્યા છે. યુવા નેતાઓનો આક્રોશ બહાર આવી રહ્યો છે… પરંતુ પ્રોબ્લેમ એ છે કે સોનિયાજી કેમ કશું બોલતાં નથી ?

તો વાત એમ છે કે એમને પાંચ તકલીફો છે !

***

(1) કાનની તકલીફ

સોનિયાજીને કાને કંઈ સંભળાય છે કે નહિ એ બાબતે બહુ મોટું કન્ફ્યુઝન છે ! ખાતરી ના થતી હોય તો એમની કાનભંભેરણી કરનારાઓને જ પૂછી જુઓને ? એ લોકો પણ કહેશે કે મેડમ કંઈ સાંભળતા જ નથી !

***

(2) જીભની તકલીફ

બિચારા કોંગ્રેસીઓ તો સોનિયાજીનો ‘પડ્યો બોલ’ ઝીલી લેવા તૈયાર છે પણ ‘પડે’ છે જ ક્યાં ? વિરોધીઓ તો છોડો, ખુદ સોનિયાજીના સલાહકારો પણ એમની પાસે ‘મગ’નું નામ ‘મરી’ પડાવી શકતા નથી.

***

(3) આંખની તકલીફ

સોનિયાજીની આંખે બધું જ દેખાય છે ! છતાં, જાણે કંઈ દેખાતું જ ના હોય તેવો દેખાવ કરતાં રહે છે ! પાર્ટીમાં ક્યાં કેવા લોચા છે, સુપુત્ર તથા સુપુત્રીમાં કેટલી આવડત છે… આ  બધું જોવા છતાં આંખ આડા કાન (જેની તકલીફ તો ઓલરેડી છે જ) કરે છે !

***

(4) ટેમ્પરેચરની તકલીફ

ભલામણ ઇટાલિયન માફિયાઓ કરતાં મેડમનું લોહી સૌથી કપરા સંજોગોમાં સાવ ઠંડુ હોય છે ! એટલું જ નહિ, એમનાં કંઈ કેટલાં ‘કોલ્ડ-બ્લડેડ’ કારનામાં હજી ‘કોલ્ડ-સ્ટોરેજ’માં સચવાઈને પડ્યાં છે.

***

(5) ભાષાની તકલીફ

વાજપેયીજી ‘આંખ લાલ’ કરતા હતા, યોગીજી ‘આડે હાથ’ લે છે, મમતાજી ‘તીખારો’ પ્રગટ કરે છે, મોદીજી ‘વ્યંગબાણ’ ચલાવે છે… પણ સોનિયાજી પોતાના ભારેખમ મૌન વડે જે કહેવા માગે છે એનો કોઈ ‘ગુપ્ત-કોડ’ લાગે છે… જે કોઈને હજી સમજાયો નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments