આ બ્રેક-અપ કેવું હોય, બેન ?


આજકાલ છોકરા-છોકરીઓનું ‘બ્રેક-અપ’ થઈ જાય છે ! આ નવી ચીજ છે.

અમારા જમાનામાં તો એવું હતું કે છોકરાએ છોકરીને દૂરથી સત્તરસો ને સાત વાર જોઈ હોય, નજીકથી માંડ એકસોને સાત વાર જોઈ હોય અને માત્ર સાત વાર એટલી જ વાત કરવાનો ચાન્સ મળ્યો હોય કે “કેમ છે અલી, દેખાતી નથી આજકાલ ?” બસ આટલું જ. એમાં તો ભાઈ સમજતા હોય કે પોતે ‘પ્યાર’માં છે !

પછી પેલી છોકરી પરણી જાય ત્યારે આ ભાઈનું ‘દિલ તૂટી’ જતું ! બિચારો કાચું કારેલું ભૂલથી ચવાઈ ગયું હોય એવું મોં કરીને ગાયન ગાતો રહે  "ચાંદી કી દિવાર ન તોડી, પ્યાર ભરા દિલ તોડ દિયાઆઆ....”

આજકાલ કંઈ આવા ‘દિલ તૂટતાં’ નથી. આજકાલ તો ‘લવ’ના પણ અલગ અલગ ટાઈપના સ્ટેજીસ આવે છે.

પહેલાં ‘ફ્રેન્ડશીપ’ થાય. આના પછીના સ્ટેજમાં ‘ફાસ્ટ ફ્રેન્ડ’ થવાનું આવે. એ પછી ‘જસ્ટ ફ્રેન્ડ્ઝ’ થવાનું હોય ! તમને કદાચ ઉલ્ટું લાગતું હશે કે મન્નુભાઈ, ‘ફાસ્ટ’ ફ્રેન્ડ પછી એ બાબો કે બેબી ‘જસ્ટ’ ફ્રેન્ડ શી રીતે થઈ જાય ? 

તો એમાં એવું છે કે જે રીતે ફિલ્મી હિરો-હિરોઈનોનાં લફરાં ચાલતાં હોય ત્યારે એ લોકો કહે છે ને ‘વિ આર જસ્ટ ફ્રેન્ડઝ !’ બસ, એવું અહીં હોય છે. જોવાની વાત એ છે કે ‘લવ’નો ક્યાંય લાંબો વહીવટ આવતો જ નથી !

‘લવ’નું આજકાલ એવું છે કે ‘આઇ લવ પપીઝ (ગલૂડિયાં)...’ અને ‘આઇ લવ રણબીર’માં કોઈ ખાસ ફેર રહ્યો જ નથી ! આ કારણે નવી જનરેશનમાં લવ પછીનું સ્ટેજ છે : રિલેશનશીપ ! સોશિયલ મિડિયાના ‘સ્ટેટસ’માં પણ આને ‘સ્ટેટસ’ (મોભો) ગણવામાં આવે છે.

બિચારા ડોસા-ડોશીઓ કે અંકલ-આન્ટીઓ રિલેશનશીપને ‘સગાઈ’ સમજે છે ! “પેલી ગીતાડી નંઈ ? એ મારા રિલેશનમાં નીકળી બોલ ! એ મારા કાકાસસરાની સાળીની ભત્રીજાવહુની બહેનની નણંદની મસિયાઈ બહેન થાય !”

આજકાલનાં છોકરા-છોકરી ‘રિલેશનશીપમાં’ હોય એટલે ‘લગભગ પાકું’ એવું માનવામાં આવે છે.

આ રિલેશનશીપમાં શું કરાય અને શું ના કરાય એના નિયમોની અમને ખાસ ખબર નથી કારણ કે આવું બધું અમે ફિલ્મોમાં અને વેબ-સિરિઝોમાં જ જોયું છે પરંતુ એ પછીનું સ્ટેજ ખતરનાક છે : ‘બ્રેક-અપ’ ! આ બ્રેક-અપમાં પણ શું રિવાજો ચાલ્યા છે એની કોઈ પીએચડી થઈ નથી !

પહેલી વાત તો એ કે ‘બ્રેક-અપ’માં શું તૂટી જાય છે એ બાબતે ખાસ જાણકારી ગૂગલમાં પણ નથી. જુના જમાનામાં ‘દિલ તૂટે’ એવી ઘટનાઓને મેડિકલ સાયન્સનો કોઈ આધાર નહોતો, એ ખરું, પણ આજના આ ‘બ્રેક-અપ’માં શું તૂટે છે ? કોઈ કહેશો ?

પછી એના રિવાજો પણ અજીબ ટાઇપના છે. છોકરીનું બ્રેક-અપ થાય એટલે એણે ટીવી (સ્માર્ટ ટીવી, હોં !) સામે બેસીને રોમેન્ટિક ગાયનો અથવા ફિલ્મો જોતાં જોતાં ખુબ બધી ચોકલેટો અને આઇસક્રીમો ખાવાનો નિયમ હોય છે.

એનો ‘એક્સ’ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, નવી કઈ કઈ છોકરીઓ સાથે ફરે છે એવું બધું એની ફેસબુકમાં જોઈ જોઈને દુઃખી થવાનો આખો પ્રોસિજર પણ કરવાનો હોય છે.

આટલું ઓછું હોય તેમ પોતાની બહેનપણીઓને રાતના બે વાગે ફોન કરીને રડતાં રડતાં ‘પેથેટિક’ વાતો કરીને ઇમોશનલ સપોર્ટો માગવાનો નિયમ હોય છે. (આમાં જો ‘ઓલ્ડ ફ્રેન્ડ’ અથવા ‘જસ્ટ ફ્રેન્ડ’ છોકરો મળી ગયો તો પેલો સવારના ચાર વાગ્યા લગી છોકરીનાં રોદણાં સાંભળતો રહે છે, એવી લોકવાયકા છે !)

ત્યારબાદ ‘ગેટ ઓવર વિથ ઈટ’ સ્ટેજ આવે છે ! છોકરાને ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સએપ, બધે ‘બ્લોક’ કરવાનો હોય છે. છોકરા સાથેની ઇન્ટીમેટ મોમેન્ટ્સના ફોટા ક્લિપ્સ વગેરેનું ફોલ્ડર બનાવી ક્યાંક ‘હાઇડ’ કરવાનું હોય છે, અને છેવટે ‘રિ-સ્ટાર્ટ’ સ્ટેજમાં સ્ટેટસ (મોભો) બદલાય છે... ‘સિંગલ અગેઇન’ ! આને ‘ડિસ્કવર ન્યુ લાઇફ’ પણ કહે છે.

- અને હા, છોકરાઓ શું કરે છે ? એના દોસ્તો ભેગા મળીને એને ખૂબ દારૂ પીવડાવે છે ! સવારે પેલો વોમિટ કરે છે અને ખાલી બાટલીને લાત મારતાં કહે છે : “માંય ગઈ સાલી !”

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments