અવળચંડા ઓનલાઇન કોર્સિસ !


શાળા કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થાય ત્યારે થાય પણ અત્યારથી જ એટલા બધા નવા નવા ઓનલાઇન કોર્સ ચાલુ થયા છે કે જતે દહાડે આવી જાહેરાતો પણ જોવા મળશે !

***

ઘેર બેઠાં સ્વીમિંગ શીખો

જિંદગીમાં છબછબિયાં સિવાય કશું ના કર્યું હોય તો પણ તરતાં શીખી શકાય છે ! ઓનલાઇન સ્વીમિંગમાં તરવાની થિયરીઓ, તરવાની વિવિધ સ્ટાઈલો તથા તરવાની વિવિધ ટેકનિકો શીખો. આજે જ મંગાવો સ્વીમિંગ કોસ્ચ્યુમ સાથેની આખી કિટ !

ઘરમાં બાથટબ હશે તો પી.એચડી. સુધીની ડિગ્રી મળશે.

***

ઓનલાઈન મુક્કાબાજી

શું તમારે વર્લ્ડ ચેમ્પિયન બોકસર બનવું છે ? આજે જ ઓનલાઈન બોક્સિંગ શીખવાની શરૂઆત કરો. માત્ર 999માં એક ગ્લોવ અને 1999માં બે ગ્લવ મંગાવીને પ્રેકટિસ કરો. કોર્સમાં બતાડેલા પ્રેક્ટિકલ કરવા માટે ઘરનું ગોદડું પણ ચાલશે.

કોર્સ દરમ્યાન મારામારી કે તોડફોડનો પોલીસ કેસ થાય તો ઇન્શ્યોરન્સ તથા વકીલ પણ મળશે.

***

ઘેરબેઠાં હિમાલય ચઢો

જી હા ! ઇરાદે હોં મજબૂત તો એવરેસ્ટ ભી કદમોં તલે હોગા… આજે જ ઓનલાઈન પેમેન્ટ કરીને પર્વતારોહણ ઘેરબેઠાં શીખો. તેનસિંગની ટેકનિક, હિલેરીની સ્ટાઈલ, માઉન્ટ બેટનની માસ્ટરી… બધું જ શીખો, ઘરના ધાબે ગયા વિના !

***

મેજિક ઓનલાઇન

જાદૂ ! જાદૂ !! જાદૂ !!! ઓનલાઇન ફી ભરો અને તમારી નજરો સામે ચમત્કારિક રીતે તમારા પૈસા ગાયબ થતા જુઓ !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments