લોકડાઉન દરમ્યાન સોશિયલ મિડીયા અને મેઈન-સ્ટ્રીમ મિડીયામાં જે લોકોએ ફિલ્મો અને વેબસિરિઝોના રિવ્યુ લખ્યા એમાં શી ધાડ મારી ?
ખરા બુધ્ધિજીવી બહાદૂરો તો એને કહેવાય જે લોકો આજે લોકડાઉનના જ ‘રિવ્યુ’ લખી રહ્યા છે !
એમની અપાર અવલોકન શક્તિની તો અમે કલ્પના જ નથી કરી શકતા ! જે સજ્જન પોતાના ઘરની બહાર નીકળીને ચાર રસ્તે ભરબપોરે, 43 ડીગ્રી ગરમીમાં, જે પોલીસો ખડે પગે ડ્યૂટી કરે છે તેમની સાથે પાંચ મિનિટ પણ ઊભા નથી રહ્યા તેઓ આજે જ્ઞાન આપી રહ્યા છે કે પોલીસોએ ક્યાં થાપ ખાધી અને ક્યાં સ્થિતિ કાબૂ બહાર જતી રોકવા માટે, શું કરવું જોઈતું હતું !
એ તો ઠીક, જે મહાજ્ઞાનીઓ નિશાળમાં ક્લાસના મોનિટર માંડ માંડ બન્યા હશે તેઓ આજે આખા દેશને કહી શકે છે કે દેશના વડાપ્રધાને લોકડાઉન કરવામાં ક્યાં ક્યાં ભૂલો કરી છે !
અરે, જે હાલતા ચાલતા એન્સાઈક્લોપિડીયાઓને 15 ડિસેમ્બરના પાંચ દિવસ પહેલાં કોરોના વાયરસ કે કોવિદ-19 શું છે તેની જાણ સુધ્ધાં નહોતી એ લોકો આજે ઉપદેશ આપી રહ્યા છે કે કોરોના સામેની લડાઈમાં તંત્રોએ ક્યાં અને કેવી ‘રણનિતી’ અપનાવવા જેવી હતી !
હા, ‘રણનિતી’થી યાદ આવ્યું કે આ તો કોરોના સામેનું ‘યુધ્ધ’ છે ને ! આ યુધ્ધમાં દુનિયાના લગભગ તમામ દેશના વડાઓએ સેનાપતિની ફરજ બજાવવી પડી છે.
સૌથી મોટી સમસ્યા એ હતી (અને હજી છે) કે જે દુશ્મન છે તેની કોઈ જ માહિતી એમની પાસે નહોતી. દુશ્મનની ચાલ શું છે, નબળાઈ શું છે, તાકાત શું છે, એની ટેવ શું છે, એની નફ્ફટાઈ ક્યાં છે... કશી જ ખબર નહોતી, છતાં જે તે દિવસે એમણે જે નિર્ણય લેવા પડ્યા તે લીધા.
હવે એ નિર્ણયો સાચા હતા કે ખોટા, એ તો કદાચ ઇતિહાસ લખાશે ત્યારે જ ખબર પડશે ! પણ ના...
આપણા લોકડાઉનના વિવેચકો (રિવ્યુ લખનારાઓ) માત્ર 65 દિવસનાં ‘અવલોકન’ પછી કહી શકે છે કે સેનાપતિઓએ ક્યાં અને કેવી ભયંકર ભૂલો કરી છે !
અમને ખાતરી છે કે આ વિવેચકો ગયા જન્મમાં જરૂર કોરોના સામે બે પાંચ યુધ્ધો તો લડી જ ચૂક્યા હશે ! નહિતર એમને 65 દિવસ પછી શી રીતે ‘યાદ’ આવે કે બોસ, 20મી માર્ચે ‘આમ’ કરવા જેવું હતું ?
અમે તો કોઈ સેનાપતિની છત્રી ઝાલી શકીએ એટલા ય રણનિતિકાર નથી છતાં અમને એટલી સમજ પડે છે કે ભારતમાં આતંકવાદની સામે જ્યારે કડક હાથે લડાઈ શરૂ કરવામાં આવી ત્યારે આપણા સેનાપતિઓને ખબર હતી કે દુશ્મનોને પૈસા ક્યાંથી મળે છે, એમના કયા કયા પોલિટિશીયનો સાથે સાંધા અડે છે, એમને ટ્રેનીંગ કોણ આપે છે અને એમની આડાઈ, નફ્ફટાઈ, ચતુરાઈ, મુરખામી અને ડફોળાઈઓ શું છે.
કદાચ એટલે જ વારાફરતી એમની એક પછી એક પાંખો કપાતી ગઈ.. અને આજે માત્ર કાશ્મીરના અમુક જ વિસ્તારોમાં આતંકવાદીઓ બચ્યા છે, જેમની હાલત પોતાના જ દરમાં ફસાઈ ગયેલા ઉંદરો જેવી કફોડી થઈ ગઈ છે.
છતાં, આટલે સુધી પહોંચવામાં 6 વરસ લાગ્યાં છે. બીજી તરફ કોરોના સામેના યુધ્ધના 60 દિવસમાં તો આરામખુરશીમાં બેઠેલા જ્ઞાનીઓને આખેઆખી ‘સ્ટ્રેટેજીઓ’ની જાણકારી આવી ગઈ છે !
અમને ખરેખર આ રિવ્યુકારો માટે બેહદ માન છે. અમે તેમને બીજું એક ‘એસાઇનમેન્ટ’ સોંપવા માગીએ છીએ :
હે જ્ઞાનીઓ, કાલે ઊઠીને જો તમારી પત્ની કોઈ કારણસર તમારી સાથે ઝગડો કરીને રણચંડીની માફક વીફરે... તો એને ‘કાબૂમાં’ લેવા માટે તમારી પાસે કોઈ રણનિતી ખરી ?
- હોય તો તૈયાર રાખજો. ઓલ ધ બેસ્ટ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment