‘હવે તો બધે ઇંગ્લીશ મિડિયમ થઈ ગયું ! કોઈ ગુજરાતી મિડિયમમાં ભણતું જ નથી !’
સાચું કહેજો, આવું તમે બીજાઓના મોઢે સત્તરસો ને સાત વાર સાંભળ્યું છે ને ? અમે પણ સાંભળ્યું હતું. પરંતુ થોડા દિવસ પહેલા 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે ધ્યાન પડ્યું કે ભઈ, ગુજરાતમાં જે 7 લાખ બાળકો પરીક્ષામાં બેઠા હતા એમાંથી માત્ર 67000 ઇંગ્લીશ મિડિયમવાળાં હતાં ! મતલબ કે 10 ટકા કરતાં ય ઓછા !
છતાં પેલાં 90 ટકા બાળકો અને એમનાં મા-બાપો સતત લઘુતાગ્રંથિમાં પીડાઈ રહ્યાં છે કે હવે તો બસ, ઇંગ્લીશ મિડિયમનો જ જમાનો છે. અમે તો પછાત ! અમે તો જુનવાણી ! અમે તો ડોબા !
આ એક દેશવ્યાપી રોગ છે. જેનું નામ છે “હવે તો બધું ચેઇન્જ થઈ ગયું !” આ રોગમાં ભલભલું ભરખાઈ ગયું છે.
આજથી વીસેક વરસ પહેલાં શરૂ થયું હતું કે “હવે તો મલ્ટિપ્લેક્સનો જમાનો આવી ગયો ! સિંગલ થિયેટરો પતી ગયાં !” અલ્યા ભઈ, જ્યાં એક શોમાં માંડ 25 જણા પોપકોર્ન ખાતા બેઠા છે એ લોકોને ‘ગણવાના’ જ નહીં ? અને જ્યાં 700-800 સીટો હાઉસફૂલ થઈ જતી હતી એ બધું બંધ ? પતી ગયું ? જુનું ?
હકીકતમાં એ જ થયું ! 60 પૈસાની પણ વેલ્યુ ના હોય એવી વાહિયાત ફિલ્મની 600 રૂપિયાની ટિકીટ ખરીદીને (ઉપરથી 150 રૂપિયાના પોપકોર્ન થિયેટરમાં ઢોળીને) દેશના માત્ર 17000, જીહા ફક્ત સત્તર હજાર પ્રેક્ષકો એ ફિલ્મ જોઈ આવે તો તે 100 કરોડનો વકરો કરનારી ‘બ્લોક બસ્ટર’ બની જાય ! બસ, પછી બિચારા ગરીબ તથા મધ્યમવર્ગના 17 કરોડ, જીહા, સત્તર કરોડ પ્રેક્ષકો પોતાના મોબાઈલમાં એ ફિલ્મ ક્યારે આવે તેની રાહ જોતા જોતા વિચાર્યા કરે કે “હવે તો બધું ચેઇન્જ થઈ ગયું નહિ ?”
આ ‘ચેઇન્જ થઈ ગયું... ચેઇન્જ થઈ ગયું....’ એવી હાઇપ ફેલાવનારા માત્ર 1 ટકા લોકો છે પણ બાકીના 99 ટકા એમની વાતમાં આવી જાય છે. હાલમાં આ લોકડાઉનનો જ દાખલો લો ને ? ચેઇન્જના ઝંડેદારોએ ઢંઢેરો પીટી નાંખ્યો કે હવે ટીવી સિરિયલો તો કોઈ જોતું જ નથી ! બધા વેબસિરિઝો જ જુએ છે !
બીજી બાજુ, આપણને (સદનસીબે) ખબર છે કે દેશના કરોડો ઘરમાં સવાર-સાંજ ‘નિયમિત’ રીતે
‘રામાયણ’ અને ‘મહાભારત’ જોવાયાં છે ! એ કરોડો કુટુંબોમાં પેલી ગાળાગાળી, હિંસા અને સેક્સથી ભરેલી વેબસિરિઝોનું પગલું પણ ઘુસ્યું નથી... છતાં હાઈપ શું છે ? “બોસ, હવે તો વેબસિરિઝોનો જમાનો આવી ગયો ને ? તમે જોઈ કે નહીં ?” (અહીં જેણે ના જોઈ હોય તેણે પ્રાગૈતિહાસિક કાળના આદિમાનવ જેટલા પછાત હોવાની શરમ અનુભવવાનું ફરજિયાત થઈ ગયું છે.)
તમે લખી રાખજો (અમે તો આ લખી જ રહ્યા છીએ) કે એક ટાઈમે મુંબઈનાં માંડ 200-300 ફેમિલિમાં લિવ-ઇન રીલેશનશીપ ચાલતી હશે છતાં અમદાવાદની ઢાલગરવાડ અને રાજકોટના રૈયારોડ સુધી વાતો ફેલાઈ ગઇ હશે કે “હવે તો બધા લિવ-ઇનમાં જ રહે છે ને ? મેરેજો તો પતી ગયાં ને ?”
અમને તો સમજાતું જ નથી કે આ દેશના લોકો “હવે તો બધું ચેઇન્જ થઈ ગયું...” એવી વાતોને આટલી સહેલાઈથી કેમ માની લે છે ? આ કોરોનાકાળમાં પણ આવા અડધો ડઝન ચેઇન્જ-વર્તારા બહાર પડી ચૂક્યા છે :
(1) હવે તો મલ્ટિપ્લેક્સો બંધ થઈ જવાનાં ! લોકો ઘરમાં જ મોટાં સ્માર્ટ ટીવી વસાવીને બધું જોઈ લેશે !
(2) હવે તો બધી સ્કુલો-કોલેજો ઓનલાઈન થઈ જવાની !
(૩) હવે અમેરિકા અને બીજા દેશો ભેગા મળીને ચાઈનાને પતાવી દેશે !
(4) કવિ સંમેલનો તો એની મેળે પતી જવાનાં !
(5) કોરોના જાય પછી આખું વર્લ્ડ ચેઇન્જ થઈ જવાનું છે !
(6) અને હા, છાપાંઓ પણ બંધ થઈ જવાનાં ! આ તમે જે વાંચી રહ્યા છો ને, એ બસ, છેલ્લું છેલ્લું છે !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment