લોચો છઠ્ઠો : 'ફરગેટેબલ' ગાયનો


અગાઉની ફિલ્મોમાં ગીત તૈયાર કરતાં પહેલાં ગીતકારો અને સંગીતકારો પ્રોડ્યુસર / ડીરેક્ટરને પૂછતા કે “સિચ્યુએશન શું છે ?”

કહેવાનો મતલબ એ હતો કે ‘પરિસ્થિતિ’નું શું છે ? હિરો કે હિરોઈનની મનોસ્થિતિ શું છે ? વાર્તાના કયા વળાંક ઉપર આ ગીત આવવાનું છે ? અહીં ‘કવિ શું કહેવા માગે છે’ (યાને કે દિગ્દર્શક શું કન્વે કરવાનું વિચારી રહ્યો છે?) આ તમામ પાસાં વિચારીને ગીતકાર-સંગીતકાર કોઈ નવું ગીત બનાવવાનું શરૂ કરતા હતા.

એ સમયે મોટાભાગે એવું થતું કે જે કહેવું છે (કન્વે કરવું છે) તેના માટે કોઈ એક ‘સ્થુળ’ ઘટના ઊભી કરવામાં આવતી. જેમ કે હોળી છે, મેળો છે, હીરો-હીરોઈન છુપાઈ-છૂપાઈને એકબીજાને મળવા માગે છે કે પછી ‘બોબી’ ફિલ્મમાં બતાડ્યું છે એમ, બન્ને એક ગેસ્ટહાઉસમાં બંધ થઈ જાય છે !

સમય જતાં ફિલ્મોમાં આવી બનાવટી ‘સ્થુળ’ ઘટનાઓનું ચલણ ઘટી ગયું અને ‘મોન્ટાજ’ સોંગ શરૂ થયાં. જેમાં વિવિધ દૃશ્યો પરદા ઉપર ચાલતાં હોય અને બેકગ્રાઉન્ડમાં કોઈ ગીત ગવાઈ રહ્યું હોય.
(અગાઉ આવા ગાયનોને ‘આકાશવાણી’ ગીતો કહેતા !)

જોકે એ ‘આકાશવાણી’ ગાયનો વાર્તાના ‘સુત્રધાર’નું કામ કરતાં અને જે તે પરિસ્થિતિ ઉપર કોઈ ફિલોસોફીકલ એંગલથી એકાદ મેસેજ કહેતાં હતાં. જેમ કે ‘ગાઇડ’નું ‘વહાં કૌન હૈ તેરા, મુસાફિર જાયેગા કહાં...’ અથવા ‘કાલ કા પહિયા ઘુમે ભૈયા, લાખ તરહ ઇન્સાન ચલે...’ (ફિલ્મ : ચંદા ઔર બિજલી) કે પછી ‘નદીયા ચલે ચલે રે ધારા, તુજ કો ચલના હોગા...’ આવાં ગીતોમાં એ સમયના ગીતકારો ‘સોળે કળાએ’ ખીલતા હતા એમ કહી શકાય. એ ગીતોને ફિલ્મની વાર્તા કે પાત્રોથી અલગ કરીને સાંભળો તો એ બહુ ઊંચી સપાટીએ પહોંચીને જીવનનાં ઊંડા અને અફર સત્યોનું બયાન કરતાં હતાં.

નવી ફિલ્મોમાં, ખાસ કરીને મલ્ટીપ્લેક્સનો જમાનો શરૂ થયો પછી આવાં ફીલોસોફીકલ ગીતો તો આવતાં જ બંધ થઈ ગયાં છે ! (કદાચ ફિલ્મકારો એમ માનતા હશે કે આ ધનવાન પ્રેક્ષકોની જિંદગીમાં ફિલોસોફીની કશી જરૂર જ ક્યાં છે ? અહીં તો બધા પોપકોર્ન ખાવા જ આવે છે ને !)

ટુંકમાં, થોડા મિનિંગ ફૂલ ગીતોની જે જગ્યા હતા તે તો બચી જ નહીં. જે બચ્યાં તે ‘સુચ્યુએશન વિના’નાં બેકગ્રાઉન્ડ ગાયનો. મતલબ કે ફિલ્મની સ્ટોરીમાં જ્યાં થોડા ‘ગેપ’ની જરૂર છે તે ‘ખાલી જગ્યા’ ભરવા માટે આવાં ગીતો બનાવવાનાં છે ! જેમ કે, હીરો-હીરોઈન પ્રેમમાં છે. પ્રોડ્યુસર કહે છે “યહાં એક લવ-સોંગ ચાહિયે...” પણ કેવું લવ-સોંગ? કઈ ટાઈપની રિલેશનશીપ છે ? છોકરાની ફિલીંગ્સ શું છે ? છોકરીના મનમાં શું ચાલતું હશે ? આગળ જતાં આ સંબંધમાં કેવા વળાંક આવશે ?... આવી કોઈ જફામાં ગીતકારે કે સંગીતકારે પડવાનું નથી ! બસ, “એક લવ-સોંગ ચાહિયે!”

ગીતકારને ખબર છે અને સંગીતકારને પણ ખબર છે કે આ એક ‘ફરગેટેબલ’ સોંગ છે (કારણ કે ફિલ્મમાં ઓલરેડી એક આઈટમ સોંગ, એક ડિસ્કો સોંગ અને એક રિમિક્સ તો છે જ.) એટલે ગીતકાર કંઈ પણ લખી નાંખે છે, સંગીતકાર એના આસિસ્ટન્ટને ધૂન બનાવવાનું સોંપીને પોતે ટીવીના કોઈ રિયાલીટી શોમાં જજ તરીકે પહોંચી જાય છે, અને છેવટે જે ગીત પરદા ઉપર વાગે છે તે પતે તેની ત્રીસમી સેકન્ડે તેના શબ્દો શું હતા તે સદંતર ભૂલાઈ જાય છે.

દરેક ફિલ્મમાં આવાં મિનિમમ ત્રણથી ચાર ‘ફરગેટેબલ’ સોંગ હોય છે. આમાં ‘લવ-સોંગ’, અને ‘ઉદાસ લવ-સોંગ’ સિવાય ભાગ્યેજ કોઈ ત્રીજું વેરિયેશન હોય છે !

હા, ક્યારેક 'દુઃખ સોંગ' આવે છે (જેમ કે ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં એક જવાનનું મૃત્યુ થઈ જાય છે) તો ક્યારેક ‘હતાશ-સોંગ’ આવે છે (જેમ કે ‘થપ્પડ’, ‘પિંક’ કે ‘છપ્પાક’ જેવી ફિલ્મોમાં હિરોઈનો હતાશ થઈ ગઈ હોય છે.) આવાં તમામ ગીતો ‘ફરગેટેબલ’ જ નીકળ્યાં છે.

આ જ ફિલ્મોમાં ‘ઝુંબેશ ગીતો’ કે ‘પ્રેરણા-ગીતો’ પણ છે, પરંતુ અફસોસની વાત એ છે કે મોટે ભાગના ગીતકારોએ એને પણ ‘ફરગેટેબલ’ ગીતોની જેમ ડાબે હાથે લખીને ફેંકી દીધાં છે.

***

-મન્નુ શેખચલ્લી

Comments