... ભૈ અટવાયા છીએ ! (કટાક્ષ કાવ્ય)

(એક કટાક્ષ કાવ્ય... અન-લોક પછીની સ્થિતિ વિશે )


પડ્યા આસમાનથી

અટક્યા ખજુરમાં

એવા અમે ભૈ

અટવાયા છીએ...

છૂટ્યા લોક-ડાઉનથી

અટક્યા ‘અન-લોક’માં

એવા અમે ભૈ

ગુંચવાયા છીએ !

***

બચ્યા માંડ ‘ધમણ’થી

ખાધાં માંડ ખમણ, 

હવે જાવું કેમ દમણ ?

મુંઝાયા છીએ...

***

હતા હોસ્પિટલ ભરોસે

હવે ભગવાન ભરોસે !

કહો, જીવ... કે દીવ ?

ગભરાયા છીએ !

***

હતા ઘરમાં જ સેફ ?

કે હવે બહાર અન-સેફ ?

ઝોન લાલ કે લીલામાં

સપડાયા છીએ...

***

કોઈનું કન્ટેઇનમેન્ટ

બીજાનું એન્ટરટેઇનમેન્ટ

અમે તો ‘ટીઆરપી’માં

ગણાયા છીએ !

***

પીધા કેવા કાઢા

કીધા લોહીઉકાળા

કોઈના પગમાં છાલાં

કોઈ મોતને વ્હાલા

કેટલું જાણ્યાનું ઝેર ?

કેટલી માહિતીની મ્હેર ?

રિયલ ને ‘ફેક’માં

ભરમાયા છીએ !

***

સિપાહીઓ સડકના

ડોકટરો વોર્ડના

કોણ સાચા યોધ્ધા ?

કોણ ‘હું પણ વોરિયર’ ?

અમે ‘હેશ-ટેગ’માં

હરખાયા છીએ !!

***

આંકડા રિપોર્ટમાં

ને, સેવકો રિસોર્ટમાં

બચાવો... લોકશાહીમાં

ફસાયા છીએ !

***

- મન્નુ શેખચલ્લી

Comments