લો, હવે કહે છે કે 10મા ધોરણની પરીક્ષાઓ ઓનલાઇન લેવાશે !
અહીં સવાલ એ નથી કે જે ગરીબ વિદ્યાર્થીના પપ્પા પાસે સ્માર્ટ-ફોન નથી એ શું કરશે ? સવાલ એ છે કે સવાલો શું પૂછાશે ?
જુઓ નમૂના...
***
ગુજરાતી વિષયનો પ્રશ્ન
ગુજરાતી કી-બોર્ડ ખોલીને નીચે આપેલા શબ્દો ઓનલાઇન ટાઈપ કરી બતાડો. (સમય : 1 મિનિટમાં)
(1) હસ્ત-પ્રક્ષાલનકાર્ય
(2) દીર્ઘદ્રષ્ટિવંતા
(3) અન્યોન્યાયીપ્રક્રિયા
***
ગણિત વિષયનો પ્રશ્ન
જો ઓનલાઇન શોપિંગ કરતી વખતે 2 ટી-શર્ટ ઉપર ત્રીજું ટી-શર્ટ ફ્રી મળતું હોય તેવી સ્કીમમાં તમે 1399 રૂપિયામાં બે ટી-શર્ટ ઓનલાઇન શોપિંગ એપથી ખરીદો તો તેની કિંમત 1188 હોય અને તમારી પાસે ઓલરેડી 200 રૂપિયાનું શોપિંગ વાઉચર હોય, તેનો ઉપયોગ કરીને આ ટી-શર્ટો ખરીદતાં તમને 112 રૂપિયાનું કેશ-બેક મળે છે અને હવે પછીની ખરીદીમાં 10 ટકા ઓફ મળે છે તેમજ આ મની ટ્રાન્ઝેક્શનનો ચાર્જ 1.5 ટકા લાગતો હોય તો...
તમને પેલું ત્રીજું ઓનલાઇન ટી-શર્ટ કેટલા રૂપિયાની પડતર કિંમતમાં પડે ?
(જવાબ આપવાનો સમય : 3 મિનિટ)
***
સમાજવિદ્યા વિષયનો પ્રશ્ન
(1) સોશિયલ મિડીયા એ સમાજનો હિસ્સો છે.
(2) સમાજ ફ્રેન્ડ્ઝ, ફોલોઅર્સ અને લાઇક ઉપર ટકેલો છે.
ઉપરની બન્ને કોમેન્ટને સરખા વ્યુઝ અને સરખી કોમેન્ટો મળી હોય તો તમે કઈ કોમેન્ટને લાઇક કરશો ?
(સમય : 3 સેકન્ડ)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment