અમારાં લોકડાઉનનાં વીક-એન્ડ્ઝ !


જુઓને, લોકડાઉન 4.0નું આ બીજું વિક-એન્ડ આવી ગયું ! તમે શું પ્લાનિંગ કર્યું છે ?

અમારો તો કોઈ પ્લાન નથી પણ અમને અમારા અગાઉના પ્લાન યાદ આવી રહ્યા છે…

***

પિકનિક

લોકડાઉન 1.0 વખતે અમે ફેમિલી પિકનિક ગોઠવી હતી ! છત્રી, શેતરંજી, નાસ્તાના ડબ્બા, થેપલાં, છુંદો, વેફર્સ અને થર્મોસમાં ચા લઈને અમે અમારા ધાબે ગયા હતા !

બાળકો ધાબા ઉપર ક્રિકેટ રમતા હતા પણ અચાનક પોલીસોની બૂમો સાંભળીને અમારે સંતાકૂકડી રમવું પડ્યું હતું !

***

ઇટિંગ આઉટ

લોકડાઉન 2.0 વખતે અમે એક વિક-એન્ડમાં બહાર જમવા જવાનું ગોઠવ્યું હતું…

ડ્રોઇંગરૂમથી નીકળી, કિચનમાં થઈ, પેસેજ વટાવીને, બેડરૂમમાંથી ‘બહાર’ નીકળીને બાલ્કનીમાં બેસીને ભોજન લીધું હતું !

***

હવા ખાવાનું સ્થળ

લોકડાઉન 3.0 વખતે તો મેં નક્કી જ કર્યું હતું કે આ વિક-એન્ડમાં તો કોઈ હવા ખાવાના સ્થળે જવું જ છે ! મારા સંતાનો પૂછતા હતા ‘ડેડી, આપણે ક્યાં જઈ શકવાના હતા ?’

પણ મેં હવા ખાવાના સ્થળોનાં આઠ ઓપશન્સ શોધીને તૈયાર રાખ્યા હતા. મેં કહ્યું, “બોલો, ઘરમાં 5 પંખા, 2 કૂલર અને 1 એસી છે – તમારે ક્યાંની હવા ખાવી છે ?”

***

મુવી જોવાનું

તમે નહિ માનો, લોકડાઉન 4.0ના વિક-એન્ડમાં અમે મુવી જોવાનું પ્લાન કર્યું હતું !

પણ થયું એવું કે કયું મુવી જોવું એ બાબતે ઝગડા થયા ! એટલે છેવટે મારી પત્ની અને મારા સંતાનોએ પોતપોતાના રૂમમાં બેસીને પોતપોતાના મોબાઈલોમાં મુવી જોયાં…

- મેં ટીવીમાં રામાયણ જોઈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments