ગયા વખતે જે મ્યુઝિક કંપનીઓની દાદાગિરીની વાત કરી હતી એમાં અનેક કિસ્સા છે, છતાં થોડો ઉમેરો કરીને પછી આગળ વધીએ. સન ૨૦૦૦ પછી શરૂ થયેલા આ ‘નવા યુગ’માં મ્યુઝિક કંપનીઓના માર્કેટિંગ એક્ઝિક્યુટીવોએ સંગીતકારોને રીતસર સૂચના આપવા માંડી હતી કે ગીતમાં ‘અઘરા’ શબ્દો ના વાપરો ! કેમકે આપણા યંગ NRI ઓડિયન્સને સમજાતા નથી ! લો બોલો.
હવે તમે જ કહો, નવા ગીતકારોમાં આનંદ બક્ષી જેવી આવડત અને શૈલેન્દ્ર જેવી ઊંચાઈ તો ક્યાંથી હોય ? એટલે નવાં ગીતોનું અધઃપતન ત્યાંથી જ શરૂ થયું. ખેર,આગળ વધીએ...
***
લોચા નંબર (3) : ટેકનોલોજીનો દુરુપયોગ
આજની ડિજિટલ રેકોર્ડિંગની ટેકનોલોજી કેવી અદ્ ભૂત છે તેની વાત કરતાં પહેલાં જરા ફ્લેશ-બેકમાં જવું જરૂરી છે. યાદ કરો ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’નું પેલું ગીત... “આ અબ લૌટ ચલેં...”
એ સમયે ગાયનોનું રેકોર્ડિંગ ‘લાઇવ’ થતું. મતલબ કે 40 જેટલાં વાયોલિન, 20 જેટલાં સમુહ ગાયકો, 15 રિધમિસ્ટ અને બીજા 10-15 અન્ય વાજિંત્રો ઉપરાંત લતા મંગેશકર અને મુકેશ જ્યારે એકપણ ભૂલ વિના આખેઆખું ગીત સુંદર રીતે રજુ કરી દે ત્યારે એ ટેક ‘ઓકે’ થાય !
એટલું જ નહીં, ગીતના રેકોર્ડિસ્ટ મીનુ કાત્રક અને તેના સહાયકો આ તમામ કલાકારોના અવાજ પ્રોપર રીતે ઝિલાય એ માટે માઇક્રોફોન્સ યોગ્ય જગ્યાએ ગોઠવે, એ તમામ માઇકના ‘ઈન-પુટ’ જે નાનકડા ચાર કે છ ટ્રેકના મિક્સર ઉપર આવે ત્યારે કઈ પંક્તિ કે ટ્યૂન વખતે રિધમનો અવાજ ધીમો કરવાનો છે, ક્યારે મેન્ડોલીનનો અવાજ ‘અપ’ કરવાનો છે, ક્યારે લતાજીના અવાજને સ્હેજ પડઘો આપવાનો છે અને ક્યારે વાયોલિન સેક્શન સાથે વાગતા ‘ચેલો’ના અવાજ સ્હેજ વધારે ઘેરા કરવાના છે તેનું પણ ‘લાઇવ’ રિહર્સલ ચાલે ! (અઘરું લાગે છે ને ?) આજે આમાંનું કશું જ કરવાની જરૂર પડતી નથી.
આજની ડિજિટલ ટેકનોલોજીને કારણે 40 વાયોલિન અને 10 ચેલો સાથે વાગતાં હોય તેવી ‘ક્લીપ’ કોમ્પ્યુટર સોફ્ટવેરમાં તૈયાર મળે છે. એ તો ઠીક, પણ લતાજી આજે ગાય અને મુકેશજી દસ દિવસ પછી (સ્વર્ગમાંથી) આવીને પોતાની પંક્તિઓ ગાઇ લે તો ચાલે ! કારણ કે પેલું જે ‘લાઇવ મિક્સિંગ’ મીનુ કાત્રકે કરવું પડતું હતું તે મિક્સિંગ હવે કોમ્પ્યુટરમાં, સેકન્ડના દસમા ભાગ જેટલા પ્રિસીશન સાથે, માત્ર કમાન્ડ્ઝ આપીને રેકોર્ડિંગ પછી ગમે ત્યારે થઈ શકે છે.
હકીકતમાં તો આવી અદ્ ભૂત ટેકનોલોજી હોય તો એક જ ગીતમાં વીજળીના કડાકા, વાદળોની ગડગડાટી, દૂરથી જતી ટ્રેનની વ્હીસલ, સામટાં એક ડઝન ઢોલ અને તેની સાથે સાથે બારીમાં રહી ગયેલી થાળી ઉપર પડતાં ટીપાંનો અવાજ પણ એક જ ગાયનનાં 100 વાજિંત્રોની પાવરફૂલ સિમ્ફની સાથે ‘સરાઉન્ડ સાઉન્ડ’માં સંભળાય એવાં રીચ ગાયનો બનવાં જોઈએ. જો હેડફોન લગાડીને સાંભળીએ તો, ભરઉનાળે ભીંજાઈ જવાનો અહેસાસ થઈ જાય.. એવાં ગાયનો ‘પ્રોડ્યુસ’ થવાં જોઈએ ને ! પણ અફસોસ, એવું થતું નથી.
એનાથી ઉલ્ટું, અત્યારે થાય છે શું ? ગાયકો આખું ગીત ગાવાને બદલે એક એક લાઇન ‘પંચ’ કરે છે ! આને કારણે જ્યાં શ્વાસ લેવાની યે જગ્યા નથી ત્યાં શબ્દો ઘૂસી જાય છે ! શબ્દો એટલા માટે ઘૂસાડવા પડે છે કે ડોબા ગીતકારે જ્યાં બે અક્ષરના એક જ શબ્દની જરૂર હોય ત્યાં ત્રણ ત્રણ અક્ષરના બે શબ્દો લખ્યા છે ! સરવાળે ગીત ‘ગાવા લાયક’ તો રહેતું જ નથી. ઉલ્ટું ‘અન-સિંગેબલ’ બની જાય છે.
વળી, સૌથી વિચિત્ર વાત તો એ છે કે આવી અદ્ ભૂત ટેકનોલોજી હોવા છતાં અડધો અડધ નવાં ગાયનોમાં માત્ર બે ગિટારો જ વાગે છે ! શા માટે ? એનો પણ જવાબ આપીશું... લોચા ઘણા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment