આજે એક લઘુકથા...



“આ જો...” નેતાજીએ આલ્બમનું એક પાનું ખોલીને પોતાના પૌત્રને બતાડતાં કહ્યું : “મેં જે રાષ્ટ્રિય સદ્ભાવના માટે પદયાત્રા કરી હતી તેનો ફોટો...”

“વાઉ !” પૌત્ર ફોટો જોઈને બોલી ઉઠ્યો. “દાદુ, તમે જોરદાર લાગો છો.”

નેતાજીએ આલ્બમના બીજાં પાનાં ફેરવતાં વધુ એક ફોટો શોધી કાઢ્યો. “આ જો... કોમી રમખાણો પછી શાંતિ માટે કરેલી પદયાત્રાનો ફોટો !”

“વાઉ !” પૌત્ર અહોભાવથી ફોટો જોતાં બોલ્યો “તમે પદયાત્રા કરો એટલે શાંતિ થઈ જાય ?”

“લગભગ એવું...” નેતાજી સ્હેજ હસ્યા. “કમ સે કમ આપણા મનને તો શાંતિ થાય ને ?”

નાનકડો પૌત્ર કંઈ સમજ્યો નહિ. નેતાજીએ વધુ એક મોટી તસવીર બતાડતાં કહ્યું : “આ જો ! દાંડીયાત્રા !”

“વાઉ !” પૌત્ર બોલ્યો. “પેલી ફેમસ ગાંધીજીની દાંડીયાત્રા?”

“ના. એની વાર્ષિકતિથિ વખતે જે પદયાત્રા નીકળેલી ને, એમાં બહુ મોટા નેતાઓ જોડાયા હતા... એમાં હું પણ હતો, જો આ ફોટો !”

નાનકડો પૌત્ર ધારી ધારીને ફોટો જોઈ રહ્યો હતો ત્યાં નેતાજીનો સેક્રેટરી આવીને કહેવા લાગ્યો : “સાહેબ, ચાલો ! બધી તૈયારી થઈ ગઈ છે.”

નેતાજીએ ઊભા થતાં પૂછ્યું “ફોટોગ્રાફરો આવી ગયા છે ને ?”

“હા જી.”

“કેટલે દૂર જવાનુ છે ?”

“લગભગ 60 કિલોમીટર જેવું છે.”

“સરસ, સરસ. ચાલો.”

નેતાજી જતા હતા ત્યાં પૌત્રએ પૂછ્યું “તમે પદયાત્રા કરવા જાઓ છો ?”

“ના.” સેક્રેટરીએ કહ્યું. “પેલા શ્રમિકો જે પગપાળા જઈ રહ્યા છે ને, એમની ખબર કાઢવા માટે નેતાજી જાતે જઈ રહ્યા છે.”

નેતાજીએ ખિસ્સામાં મોબાઈલ મુકતાં કહ્યું “ચાલો, કાર તૈયાર છે ને ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments