નાણામંત્રીજીએ તો મોટાં મોટાં લાખો-કરોડનાં પેકેજોની જાહેરાતો કરી નાંખી... પરંતુ દેશમાં હજી યે એવા કંઈક બિચારાઓ છે જેમને સહાયની તાતી જરૂર છે !
પ્રસ્તુત છે એમની માગણીઓ...
***
ઘરેલુ કામકાજ કરતાં શીખી ગયેલા પતિઓની માગણી છે કે કામવાળી બાઇના 45 દિવસ જેટલા પગારનું એક પેકેજ આપવામાં આવે !
***
તમામ પુરુષોની માગણી છે કે 45 દિવસમાં વધી ગયેલા વાળ-દાઢીને કપાવવા માટે તેમના ખાતામાં મિનિમમ 150 રૂપિયા જમા કરાવવામાં આવે !
***
જે પુરુષો જાતે વાળ કાપવાના પ્રયાસમાં હેર-સ્ટાઈલની પથારી ફેરવી બેઠા છે તેમને સૌને 200-200 રૂપિયાનું ઈનામ ‘આત્મનિર્ભર’ બનવા બદલ આપવામાં આવે !
***
દેશના તમામ અસંગઠીત દારૂડિયાની માગણી છે કે દરેકને દારૂની એક બાટલી સાથે સોડાની 4 બાટલી અને મન્ચિંગનાં 12 પેકેટ ‘આર્થિક પ્રોત્સાહન’ તરીકે આપવામાં આવે !
***
પાન-મસાલા, ગુટકા, માવા વગેરેના બંધાણીઓ માગણી કરી રહ્યા છે કે પડીકીના 4 રૂપિયાને બદલે 40 રૂપિયા આપવા પડ્યા છે તેમાંથી એમને 20 રૂપિયાનું ‘કેશ-બેક’ મળવું જોઈએ !
***
ઘેરબેઠાં ખાઈ ખાઈને ફાંદ વધારી ચૂકેલા પતિદેવો હવે ફાંદનો ઘેરાવો ઘટાડવા માટે 4000 રૂપિયાનું ‘જિમ-ભથ્થું’ માગી રહ્યા છે !
***
દરમ્યાનમાં, કવિઓની માગણી સાવ સીધી અને સાદી છે... તેમને કવિતા દીઠ વધારાની 200-200 ‘લાઈક’ જોઈએ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment