પત્નીની ફરિયાદો પતિ વિશે...


આ લોકડાઉનના સમયમાં પતિઓની કેવી દશા છે તેના જાતભાતના ફની વિડીયો આવી ગયા... બિચારો પતિ ઝાડુ મારી રહ્યો છે, પોતાં કરી રહ્યો છે, ડુંગળી સમારતાં પહેલાં જ રડી રહ્યો છે... વગેરે.

હકીકતમાં તો બિચારી પત્નીઓ જ પતિઓથી ત્રાસી ગઈ છે. સાંભળો એમની ‘વાસ્તવિક’ ફરિયાદો...

***

એ ઊઠે છે મોડા, ન્હાય છે મોડા અને રાતે સૂએ છે પણ મોડા. અરે, ટોઈલેટમાં છાપું લઈને તો મોડા જ જાય છે પણ બહાર આવવામાં ય મોડું ને મોડું કરતાં જાય છે.

***

દર બે કલાકે ચા પીવા જોઈએ છે. પણ દૂધ ખલાસ થઈ જાય તો લેવા જવાની ના પાડે છે.

***

પણ હા, પોતાના માવા, મસાલા, સિગારેટ લેવા માટે ‘જીવના જોખમે’ બહાર જશે...

જતી વખતે ‘દબાતે પગલે’ જાય છે અને આવતી વખતે ‘દોડતા’ પાછા આવે છે !

***

ડ્રોઈંગ રૂમ અને બેડરૂમ સિવાયની જગાઓ હવે એમને ‘દેખાવા’ લાગી છે ! કહે છે :

“બાથરૂમમાં કરોળિયાનું જાળું છે.”

“કિચનમાં મેં કાલે એક વંદો જોયો હતો.”

“બાલ્કનીમાં એક ખાસ જગ્યાએ રોજ એક ગરોળી શાંતિથી બેઠી હોય છે...”

“ટોઈલેટમાં નળ ટપકે છે ત્યારે ચાર નાનાં ટીપાં પછી એક મોટું ટીપું કેમ પડે છે ?”

***

ખાઈ ખાઈને પેટ બગાડ્યું છે.

જ્યારે ને ત્યારે ગેસ છોડે છે. ગેસનો અવાજ દબાવવા માટે ટીવીનો અવાજ મોટો કરી દે છે.

***

ટીવીમાં દસ-દસ વરસ પહેલાંની મેચો જુએ છે.

એમાં ઇન્ડિયા જીતી જાય તો સોફા ઉપરથી ઉછળીને તાળીઓ પાડે છે. પછી કહે છે “ જોયું? હું નહોતો કહેતો ? આ જ વાત ઉપર થોડાં ભજીયાં તળી નાંખ !”

***

ન્યુઝ ચેનલ જોતાં જોતાં એમને રોજ ગુસ્સો આવી જાય છે. ચીનાઓને ભાંડે છે. એ જ વખતે હું પૂછું કે “મંચુરિયન બનાવવાની છું, ખાશો ?”

- ત્યારે એમનું મોં જોવા જેવું થઈ જાય છે.

***

હજી તો પંદર દિવસ જ થયા છે ત્યાં તો દિવસના બત્રીસ બગાસાં ખાય છે. જોઇએ, આગળ કેમ થાય છે...

***

હજી કાલે જ પૂછતા હતા, આપણી પાડોશણ મેળવણ લેવા ય નથી આવતી ?

મેં કહ્યું, ના તમે બપોરે સૂતા હો ત્યારે એનો હસબન્ડ જ આવી ને લઇ જાય છે.

આમાં ને આમાં ભાઈ સાહેબ આજે આખી બપોર જાગતા બેઠા છે..

***

- મન્નુ શેખચલ્લી

Comments