આજથી 20-25 વરસ પછી આપણે આ કોરોના-કાળની કેવી કેવી ડંફાશો આપણાં છોકરાંના છોકરાંઓ આગળ મારતાં હોઈશું ? એક ફ્લેશ-ફોરવર્ડ, આપણી પેઢીનો…
***
એક દાદા
મેં 40 દિવસમાં 4000 માખીઓ મારેલી ! મારે તો ગિનિસ-બુકમાં રેકોર્ડ નોંધાવવો હતો પણ તારી દાદીએ બધી માખીઓ કચરામાં કાઢી નાંખેલી…
***
બીજા એક દાદા
હું તો ભલભલા પોલીસોને થાપ આપીને માવાનાં પેકેટો લઈ આવતો… પછી તો મેં એક વાર રાતના એક પાનનો ગલ્લો તોડીને બે મહિનાનો સ્ટોક ઘરભેગો કરી નાંખેલો…
બાકી, આ મોઢાનું કેન્સર તો એ પછી થયું.
***
ટેકનો-સેવી યંગ દાદુ
આજકાલની મોબાઈલ ગેઈમ્સમાં શું દાટ્યું છે ? એ વખતે લોકડાઉનના ટાઈમમાં પબ્જી રમતાં રમતાં હું સળંગ 18 દિવસ સુધી જીવતો રહેલો… અને મેં આખા બાંગલાદેશના આર્મી પાસે છે એટલો દારૂગોળો વાપરી કાઢેલો.
એ પછી એક રાત્રે મારા મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થયો ! એમાં હું સખ્ખત રીતે દાઝી ગયેલો… જો હજી આ અંગૂઠાની ચામડી ઉપર ડાઘો દેખાય છે ને ?
***
એક દાદી
આજે તમારી મમ્મીને રસોઈની આળસ આવે ત્યારે વાસી રોટલી વઘારીને એમાં દાળ-ભાતની ગ્રેવી ઉમેરીને જે પંજાબી સબ્જી બનાવે છે ને… એની શોધ મેં જ કરેલી, લોકડાઉન વખતે.
***
બીજાં એક દાદી
બધાં જ બ્યુટિ-પાર્લરો બંધ એટલે શું થાય ? મેં તો નક્કી કર્યું કે મારી આઈ-બ્રો પણ હું જાતે જ કરીશ અને ફેસ-માસ્ક બી જતે જ ઘરે બનાવીશ !
- આ પ્લાસ્ટિક સર્જરી તો એ પછી કરવી પડી…
***
અને એક યંગ દાદી
સગાઈ પહેલાં તારા દાદા મને જોવા આવેલા. એ જ રાત્રે લોકડાઉન થઈ ગયું !
પછી વળી શું ? લગ્ન ઓગસ્ટમાં થયાં અને તારા પપ્પાનો જન્મ ડિસેમ્બરમાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment