નવી ઘટના બને છે તેની સાથે નવા શબ્દો પણ ફૂટી નીકળે છે. મહામારી માટે શબ્દ હતો ‘એપિડેમિક’ પછી વિશ્વવ્યાપી મહામારી માટે શબ્દ આવ્યો ‘પેન્ડેમિક’… અને હવે આ કોરોનાની મેગા-મહામારી વચ્ચે નવો શબ્દ આવ્યો છે : “ઈન્ફોડેમિક” યાને કે માહિતીની મહામારી !
ન્યુઝ ચેનલો, સોશિયલ મિડીયા, મોબાઈલની ગ્રુપ-ચેટ, લેપ-ટોપના કોન્ફરન્સ કોલ અને ગલીમાં ફરતા નવરી બજાર જેવા નમૂનાઓ જે ‘પડીકાંઓ’ લઈ આવે છે એમાંની મોટેભાગની આઈટમો ‘ચેપી’ જ હોય છે ને ! આના કારણે આપણને હવે નવા શબ્દોની જરૂર પડવાની છે. જેમ કે...
***
અફ્વાયરસ
‘અમુક લોકો તમારાં શાકભાજીમાં થૂંકે છે...’ ત્યાંથી માંડીને ‘ગ્રુપ એડમિનની ધરપકડ થઈ જશે...’ સુધીની અમુક અફવાઓ ખતરનાક ‘કાન વડે’ ફેલાતા વાયરસ જેવી હોય છે. આજકાલ આ અફ્વાયરસ મોબાઈલના ટચ-સ્ક્રીન યાને ‘સ્પર્શ’ વડે ફેલાતો ચેપ પણ બની ગયો છે.
***
ભક્તાલીબાન
અહીં ‘ભક્તો’ને ‘તાલિબાન’ સાથે સરખાવવાની વાત નથી. (જોકે અમુક લોકો ડરના માર્યા સરખાવી જ રહ્યા છે) અહીં તો જે ‘ભક્તો’ ‘તાળી’ વગાડે છે તેની ઉપર ‘બાન’ મુકવાની માગણી કરનારાઓ માટેનો આ નવો શબ્દ છે.
***
ફેકસત્ય
અમુક ‘સત્યો’ હિટલરના પેલા ગોબેલ્સનાં વિષાણું લઈને ફરતાં હોય છે. (વારંવાર કહેવાયેલું અસત્ય પણ સત્ય બની જાય છે) આવાં ફેકસત્યો ટ્રુસત્ય છે કે ફેકસત્ય છે તેની ઘણીવાર વરસો સુધી ખબર પડતી નથી, દાખલા તરીકે : “આ વાયરસ ખુદ ચીને જ ફેલાવ્યો છે !” અથવા "તબલિગી જમાતવાળા જીવતા બોમ્બ બનીને ફેલાઈ રહ્યા છે !"
ફેકસત્યની ખાસિયત એ છે કે ખુદ ગોબેલ્સો પણ તેને ‘ટ્રુસત્ય’ માને છે !
***
ફ્યુસર્ચકાસ્ટ
નોસ્ત્રાદોમસે ધરતીકંપ વખતે ઓલરેડી ધરતીકંપની આગાહી કરી હતી ! રાઈટ ? પણ સાલું, તે વખતે આપણને નોસ્ત્રાદોમસે કરેલી ટ્વીન-ટાવર્સની આગાહી કેમ કોઈએ નહોતી કીધી ? એ જ રીતે ટ્વીન-ટાવર્સ વખતે જે ત્રીજા વિશ્વયુધ્ધની આગાહીઓ આવેલી એમાં સાલું કોરોનાનું કોવિદ-19 નામનું જંતુ તો ક્યાંય નહોતું !
એવું કેવું ? કારણ એટલું જે અમુક લોકો ક્યાંકથી ભવિષ્યવાણીની ‘શોધ’ (સર્ચ) કરીને બહાર કાઢે છે ! એને જ કહેવાય : ‘ફ્યુસર્ચકાસ્ટ’.
***
શાસ્ત્રોલ્લેખન
આમાં ઇન્ડિયાના જ્ઞાનીઓની માસ્ટરી છે ! જે લોકો હજી પંદર દહાડા પહેલાં ઘરનાં કિચનમાં સ્લીપર પહેરીને બેસતા હતા તેઓ આપણને ઘરમાં દાખલ થતાં પહેલાં શાસ્ત્રોમાં પગ ધોવાનું કેમ લખેલું તેની પાછળનું ‘વિજ્ઞાન’ સમજાવે છે !
***
ફોરવર્ડેપિડેમિક
સોશિયલ મિડિયામાં આપણી પાસે જે આવ્યું તે પુરું જોયા, જાણ્યા, સમજ્યા કે વાંચ્યા વિના ધડાધડ ફોરવર્ડ કરી દેવાની મહામારીને ‘ફોરવર્ડેપિડેમિક’ કહેવાય. ભારતમાં આ મહામારી છેલ્લાં છ-સાત વરસથી ફરે છે જેમાં છેલ્લા એક મહિનામાં પ્રચંડ (100 ગણો) વધારો નોંધાયો છે.
***
ઘોસ્ટગાલિબ-હરિવંશીકેમ્બ્રિજ
કોરોનાના લક્ષ્યમાં સ્વ. શ્રીહરિવંશરાય બચ્ચન કઈ કવિતા લખી ગયા હતા ? સદ્ નસીબે શ્રી અમિતાભ બચ્ચનને પણ ના ખબર હોય એવી કાવ્યકૃતિ લખનારાં ‘ભૂતો’ હયાત છે ! આવા પ્રેતાત્માઓ ગાલિબની શાયરી, ગુલઝારની નઝમ અને છેક કેમ્બ્રિજ યુનિવર્સીટીના દિવંગત વૈજ્ઞાનિકોની થિયરીને રાતોરાત લખી શકે છે.
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment