GS કોહલી: બી ગ્રેડ ફિલ્મો, એ ગ્રેડ સંગીત


જે લોકો રેડિયો ઉપર ગાયનો સાંભળીને મોટા થયા છે એમને આ ગીત જરૂર યાદ હશે : “તુમ કો પિયા, દિલ દિયા, કિતને નાઝ સે હો...”

ફિલ્મ ‘શિકારી’ (1963)ના આ ગાયનના ઈન્ટરલ્યુડ મ્યુઝિક (બે અંતરા વચ્ચેનું સંગીત)માં મેન્ડોલીન સાથે જે ઢોલકની થાપ વાગતી હતી તે આજે પણ ભૂલાય એવી નથી. 
GS કોહલી યાને કે ગુરુશરણસિંહ કોહલીની ફિલ્મી ગાયનોમાં ઢોલક માટે માસ્ટરી ગણાતી હતી.

GS કોહલીની જોડી OP નૈયર સાથે જામી ગઈ હતી. 1952માં જ્યારે OPને ‘આસમાન’ ફિલ્મમાં પહેલો બ્રેક મળ્યો ત્યારે એમણે કોહલીને પોતાના આસિસ્ટન્ટ / એરેન્જર તરીકે સાથે લીધા હતા. બન્નેનું ટ્યુનિંગ છેક 1968 સુધી ચાલ્યું. બન્નેનો સ્વભાવ સખત ગુસ્સાવાળો હતો. બન્નેને એકબીજા સાથે તડાફડી પણ વારંવાર થતી. કદાચ એટલે જ એમને એકબીજા સાથે જામતું !

GS કોહલીએ OP સાથે રહેવા છતાં પોતાના નામે ડઝન જેટલી ફિલ્મો કરી. જેમાં ‘શિકારી’નાં લગભગ તમામ ગાયનો સુપરહિટ હતાં. ઉપર લખ્યું છે એ સિવાય “માંગી હૈ દુઆએ હમ ને સનમ, ઈસ દિલ કો તડપના આ જાયે,” “યે રંગીન મહેફિલ ગુલાબી ગુલાબી” “અગર મૈં પૂછું જવાબ દોગે”, “ચમન કે ફૂલ ભી તુજ કો ગુલાબ કહતે હૈં”.. આ તમામ ગાયનો યુ-ટ્યુબ ઉપર છે. એમાં પાછળથી મશહુર વિલન બનેલો અજીત અહીં કેટલો કઢંગો લાગેછે એ જોવાની પણ અલગ મઝા છે !

GS કોહલીને ભાગે હંમેશાં B અથવા C ગ્રેડની ફિલ્મો જ આવી. છતાં અમુક ગાયનોમાં તે રીતસરના છવાઈ જતા. 1965માં આવેલી ફિલ્મ ‘નમસ્તેજી’માં બિચારો મહેમૂદ સિરિયસ હીરો તરીકે હતો. ફિલ્મ ખાસ ના ચાલી. (નહિતર મહેમૂદ હીરો તરીકે જામ્યો હોત તો આપણું શું થાત?)

જોકે ‘નમસ્તેજી’નાં બે ગાયન (1) મુકેશ-લતાનું ‘બહારોં થામ લો અબ દિલ મેરા મહેબૂબ આયા હૈ’ અને (2) લતાનું “મેરે દો નૈના મતવાલે કિસ કે લિયે” આજે પણ સુંદર કંપોઝિશનો તરીકે દાદ મેળવી જાય.

GS કોહલીને દારાસિંઘ અને મુમતાઝ સાથે કંઈ લેણું હતું. 'ફૌલાદ' અને ‘જંગ ઔર અમન’ (1968) આ બન્નેમાં કોહલીએ આ જોડી માટે ઝમકદાર ગાયનો આપ્યાં. “દિલ હૈ હમારા ફૂલ સે નાજુક, બાહેં હૈ ફોલાદ”,”ઓ મતવાલે સાજના” “યાદ તોરી આઈ સાજન, મૈં કિતની રોઈ રે” (ત્રણે ‘ફૌલાદ’) ‘પ્યાર કી રાહ દિખા દુનિયા કો’ ગાયન વાળી ફિલ્મમાં મહેમૂદ  હીરો હતો. ('લંબે હાથ') 

એમ તો ફિરોઝખાનને પણ શરૂઆતમાં B ગ્રેડ ફિલ્મો મળતી હતી. એમાંય જીએસટી કોહલીએ જમાવટ કરી આપી હતી.જોકે શરૂ શરૂમાં કોહલીની રૂપોમાં જે અલગ ટચ હતો તે બદલાતો ગયો. ‘ધ એડવેન્ચર્સ ઓફ રોબિનહુડ’નું એક ગાયન “માના મેરે હસીં સનમ, તૂ રશ્કે માહતાબ હૈ”ની ધૂન કદાચ GS કોહલીએ જ OP નૈયર માટે ફિલ્મ “બહારેં ફિર ભી આયેંગી” માટે રિપીટ કરી હોય તેમ લાગે : “આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ, મેરા દિલ મચલ ગયા તો મેરા ક્યા કસૂર હૈ.”

કોહલીનાં ઘણાં ગીતોમાં રીતસર OP નૈયરની ધૂનોની અસર દેખાય પરંતુ નૈયર સાહેબ ઓરકેસ્ટ્રામાં જે સાદગી રાખતા હતા એવું કોહલીનાં પોતાના ગાયનોમાં નહોતું. “તુમ કો પિયા”... હિટ ગયા પછી લગભગ દરેક ફિલ્મમં કોહલી પાસે બે હોટ ડાન્સરો સાથે ગાતી હોય એવા “ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ” સોંગની ડિમાન્ડ થતી ! એ ગાયનો સાંભળીએ તો એમાં 30-40 વાયોલિન, આઠ-દસ બ્રાસ (ટ્રમ્પેટ, ટ્રોમ્બાન વગેરે) ક્લેરિયોનેટ, ફ્લૂટ, બોંગો, ડ્રમ્સ, ઢોલક, તબલાં અને ઘુંઘરું વગેરેથી ભરચક જ નીકળે !

કહેવાય છે કે OPનાં ગાયનોમાંજે ઈન્ટલ્યુડ મ્યુઝિકમાં વાયોલિન, ક્લેરિયોનેટ કે વાંસળીના જે પિસ સંભળાય છે તેમાંથી મોટેભાગના GS કોહલીના રહેતા હતા. OP પોતાની ધૂનોમાં, ખાસ કરીને ઈન્ટરલ્યુડમાં બહુ વરાયટી આપતા નહીં. આના કારણે OP અને કોહલી વચ્ચે તકરાર થતી. કોહલી ચિડાઈને પૂછતા “ઔર કિતને ક્લેરિયોનેટ કે પિસ નિકાલને હૈં ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments