આજકાલ મોબાઈલોમાં એક વિડીયો ફરે છે. એમાં 70-80 વરસનું એક તંદુરસ્ત રૂપાળું અમેરિકન કપલ બીજા સો લોકોની હાજરીમાં ડાન્સ કરી રહ્યું છે. એમાં પેલા જે રૂપાળાં ડોશી છે એ તો એટલાં ચપળ છે કે ઘડીકમાં ફેરફૂદરડી ફરે છે તો ઘડીકમાં ડોસાના બે પગ વચ્ચેથી સરકીને પાછા ઊભા થઈને નાચવા લાગે છે ! જોઈને મનમાં થાય કે ક્યા બાત હૈ, વાહ !
ચાલો, ‘વાહ’થી વાત પતી જતી હોય તો બહુ સારું પરંતુ જે વડીલે તમને આ ક્લિપ ફોરવર્ડ કરી હોય તેમાં કોમેન્ટ પણ હોય : ‘જિંદગી જીવાય એટલી જીવી લો… 80 વરસના આ કપલ પાસેથી કંઈ શીખો !’
એટલે શું શીખવાનું ? 66 વરસના ગુજરાતી કાકાએ કાકી જોડે આવો ડાન્સ કરતાં શીખવાનું ? અલ્યા ભઈ, નવરાત્રિમાં ગરબા કરવા ઉતરે છે ત્યારે બે રાઉન્ડ તો સરખી રીતે મારી શકતાં નથી (અને જો મારે તો ચાર વખત એકબીજાં જોડે ભિટકાઈ પડે છે.)
તોય મોબાઈલમાં જોતાં જોતાં કાકા હરખાઈ જાય છે ! એમના જેવા બીજા દસ કાકાને ફોરવર્ડ કરે છે. (જેમાં કાકી તો બાકાત છે, હોં !)
આવું તો કંઈ જાતજાતનું ચાલ્યું છે. કોઈ માજી સાયકલ લઈને નીકળી પડ્યાં છે, કોઈ ઘરડા કાકા પહાડો જ ચડ્યા કરે છે, કોઈ ડોશીમાં હવામાં ગુલાંટો મારે છે અને મઝા તો એ જોઈને આવે છે કે કોઈ ઘરડા દાદા એકી ઘૂંટે વ્હીસ્કીની અડધી બાટલી પેટમાં ઉતારી જાય છે !
આવું બધું જોઈને આજના વડીલોને શેર લોહી ચડે છે. લોચો માત્ર એક જ છે કે ટીવી ઉપર આવતી જાહેરાતોની માફક આ વિડીયો ક્લિપો નીચે લખેલું નથી હોતું કે “ધીઝ સ્ટંટ્સ આર પરફોર્મડ બાય એક્સ્પર્ટ્સ. પ્લીઝ ડુ નોટ ટ્રાય એટ હોમ.” (પોર્નોગ્રાફીના વિડીયોમાં તો ખાસ આવું લખવું જોઈએ.)
આવી ચેતવણીના અભાવે થાય છે શું, કે વડીલોને બાકી બચેલી જિંદગી ‘જીવી લેવાના’ ધખારા ઉપડે છે !
એક બાજુ છેલ્લા પાંચ વરસથી ઘુંટણના સોજા ઉતારવા માટે જાતભાતનાં તેલ ઘસી જોયાં છે, બાર જાતના આયુર્વેદિક, નેચરોપેથિક, હોમિયોપેથિક, એક્યુપ્રેશર અને યોગાસનો અજમાવી ચુક્યા છે, અરે, નવા સ્ટીલનાં ઘૂંટણો ફીટ કરાવવાનો ચાર્જ કેટલો થાય છે એ પણ તપાસ કરી ચૂક્યા છે. છતાં પેલાં અમેરિકન ડોસા-ડોસીને જોઈને જિંદગી ‘જીવી લેવાના’ ધખારા ઉપડે છે !
અને સાંભળો... 60-65 વરસની ઉંમરે આ વડીલો ‘જીવન જીવવાની કળા’ ટાઈપનાં પુસ્તકો ખરીદી લાવે છે ! ઓ કાકા, 65 વરસે આ નવી કળા શીખીને જશો ક્યાં ? બારમા ધોરણમાં ફરી એડમિશન લેવાનું છે ? જપો ને યાર…
એમાંય વળી વારેન બફેટ કે જેક-મા જેવો કોઈ અમેરિકન કે ચીની અબજપતિ આપણા કાકાને વિડિયોમાં સલાહો આપવા આવી પહોંચે છે. અબજો કમાઈ ચૂકેલા આ બિઝનેસમેનો કાકાને શીખવાડે છે કે જિંદગીમાં ‘એ લોકો’ શું શીખ્યા !
અરે બાપા, અમારા કાકા 38 વરસનું વૈતરું કરીને હમણાં ત્રણ વરસ પહેલાં જ રિટાયર થયા છે, પેન્શનના નામે માત્ર બાર હજાર રૂપૈડી આવે છે, એમને તમારા જેવા અબજોપતિને શું શીખવા મળ્યું એ જાણીને શું કાંદા કાઢવા છે ? છતાં એ વડીલ આપણને વિડીયો બતાડીને કહેશે, ‘જો બેટા, છેવટે તો પૈસાની કોઈ જ વેલ્યુ નથી !’
જોકે આમાં વડીલોનો કોઈ વાંક નથી ! આજે જે વડીલો 55 થી 70 વરસના છે એ બધાનો જન્મ 1950 થી 1965 વચ્ચે થયો છે. એ પેઢીએ બાળપણ, યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઝંઝટો, કકળાટો અને બબાલો જ જોયાં છે.
’62માં ચીન સામે યુધ્ધ 65માં પાકિસ્તાન-વોર, ’71માં બાંગ્લાદેશની લડાઈ, ’76માં ઇમરજન્સી, ’84માં અનામતનાં રમખાણ… આ બધાને લીધે ખોખરા થઈ ગયેલા અર્થતંત્રમાં આ પેઢા જંપીને જીવી જ શકી નથી. હવે જ્યારે નવી પેઢીને મોંઘી બાઈક, નવી કાર અને હપ્તેથી લીધેલા મસ્ત એપાર્ટમેન્ટમાં જલસા કરતાં જુએ છે ત્યારે વડીલોને થાય છે કે યાર, અમે રહી ગયા !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment