ઉષા ખન્ના : યાદગાર ગીતો, ગુમનામ ફીલ્મો


ફિલ્મ ‘દિલ દે કે દેખો ’ (1959)નું ટાઈટલ સોંગ સાંભળો તો એમ જ લાગે કે ‘આ તો ઓ. પી. નૈયર!’ એજ ફિલ્મનું બીજું ગીત ‘બડે હૈં દિલ કે કાલે, યહી નીલી આંખોવાલે’માં તો જે ઢોલકની થાપ છે એ પણ ટિપિકલ OP નૈયરની જ લાગે. જોકે લેખ ઉષા ખન્ના વિષે છે એટલે તમે સમજી જ ગયા હશો કે આ ફિલ્મનાં ગીતો ઉષા ખન્નાએ કંપોઝ કર્યાં હતાં.

જોવાની વાત એ છે કે ખુદ OP નૈયરે ઉષા ખન્નાને પ્રોડ્યુસર શશધર મુખર્જી પાસે એક ઉભરતી ગાયિકાના સ્વરૂપમાં મળવા માટે મોકલ્યાં હતાં. ઉષાજી તે વખતે માંડ 20 વરસના હશે. એમણે એક ગીત ગાઈ સંભળાવ્યું. વાતોમાં પ્રોડ્યુસરને ખબર પડી કે એ ગીતને ધૂન પણ ઉષાજીની હતી ! શશીધર મુખર્જીએ એમને બીજા બે ગીત કંપોઝ કરવા કહ્યું! છેવટે આખી ફિલ્મનું સંગીત ઉષા ખન્નાને સોંપી દીધું.

ફિલ્મ રિલિઝ થઈ ત્યારે ગાયનો હિટ થઈ ગયાં. જોકે પોતાની સ્ટાઈલની કોપી સાંભળીને નૈયર સાહેબ બગડ્યા હશે, અથવા જે હોય તે, પરંતુ ત્યારબાદ ઉષા ખન્નાનાં કોઈ ગાયનોમાં OPની ઝલક જોવા મળી નહીં.

છતાં, ઉષાજીની 40-45 વર્ષની કરિયરમાં ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન આવવાના બાકી હતા. 1962માં આવેલી ફિલ્મ ‘આઓ પ્યાર કરેં’ (જોય મુખર્જી, સાયરા બાનુ)નું ગાયન ‘તુમ અકેલે તો કભી બાગમેં જાયા ન કરો’ સાંભળો તો લાગે કે ‘આહા ! આ તો શંકર-જયકીશન!’ એ જ ફિલ્મની સુંદર ગઝલ ‘મેરી દાસ્તાં મુઝે હી, મેરા દિલ સુના કે રોયે, કભી રો કે મુસ્કુરાયે, કભી મુસ્કુરા કે રોયે...’ સાંભળો તો લાગે કે “આહા ! આ તો મદનમોહન !” અને ‘એક સુનહરી શામ થી...’ માં તમને સંગીતકાર રોશનની ઝલક લાગે.

સંજીવકુમારની પહેલી ફિલ્મ ‘નિશાન’ (1965) જે રીલિઝ થતાં મોડી પડવાને કારણે ત્રીજી કે ચોથી બની ગઈ, તે સાવ ફ્લોપ નીકળી. છતાં તેના બે ગાયનો ‘અપને લિયે જીયેં તો ક્યા જીયે’ અને ‘ધૂપ ખિલ ગઈ રાત મેં, યા બિજલી ગિરી...’ રેડિયો ઉપર ધૂમ મચાવતાં રહ્યાં. ‘શબનમ’ (1964) નામની એક બીજી બી ગ્રેડની ફિલ્મહતી. એનાં તો ચાર ગાયનો આજે પણ સંગીત રસિયાઓને યાદ હશે. “યે તેરી સાદગી, યે તેરા બાંકપન...” ‘મૈંને રખ્ખા હૈ મુહોબ્બત અપને અફસાને કા નામ...’ ‘નિગાહોં કી જાદૂગરી...’ ‘તેરી નિગાહોં પે મર મર ગયે હમ...’

કારકિર્દીની શરૂઆતમાં જ આટલા હિટ ગાયનો આપવા છતાં કોણ જાણે શું થયું તે ઉષા ખન્નાને મોટા બેનરની ફિલ્મો કદી મળી જ નહીં. ફિરોઝખાનવાળી ‘એક સપેરા એક લૂટેરા’ નું પેલું ગાયન ‘હમ તુમ સે જુદા હો કે, મર જાયેંગે રો રો કે...’ને બાદ કરતાં બીજાં કોઈ ગાયનો પણ હિટ થયા નહીં. છતાં ઉષાજીને ફિલ્મો તો સતત મળતી જ રહી. એમણે 200થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાં 1966થી 1971 સુધીમાં તો દર વરસે લગભગ 6 થી 8 ફિલ્મો રિલીઝ થઈ ! જોકે ફિલ્મોનાં નામો જુઓ તો સમજાશે કે ગાયનો કેમ ખોવાઈ ગયાં... ખૂન કા ખૂન, ચાંદ પે ચડાઈ, રાત અંધેરી થી, વો કોઈ ઔર હોગા વગેરે...

કદાચ ઉષાજી પોતે શ્રેષ્ઠ કામ કરવાનો સ્પિરિટ ગુમાવી ચૂક્યા હતાં. પરંતુ એમની ત્રીજી ઇનિંગ આવી ખરી. ‘હવસ’ (1974)નું પેલું ગાયન હિટ નીકળ્યું. ‘તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ...’ એ પછી એમનાં ગાયનો સતત ગુંજતા રહ્યાં. ‘મધુબન ખુશબુ દેતા હૈ’ (સાજન બિન સુહાગન), 'દિલ કે ટુકડે ટુકડે કર કે મુસ્કુરા કે ચલ દિયે' (દાદા), 'બરખા રાની જરા જમ કે બરસો' (સબક), 'મેરે પ્યાસે મન કી બહાર..'(હનીમૂન) અને છેક આજે પણ સૌના હોઠે ચડી ગયું છે તે “શાયદ મેરી શાદી કા ખયાલ દિલ મેં આયા હૈ...”

ઉષાજીએ પોતાની ઢળતી ઉંમરે સાવનકુમાર નામના પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યું જે ખાસ ટક્યું નહીં પરંતુ ઉષા ખન્નાનું નામ હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં એ વાતથી ટકી રહેશે કે તે સરસ્વતી દેવી (50 ફિલ્મો) જદ્દનબાઈ (એક ફિલ્મ અને ઘણાં બિન-ફિલ્મી ગીતો) પછી ત્રીજા નંબરના ‘મહિલા’ 
સંગીતકાર છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments