એક ખંતીલા સજ્જને આ લોકડાઉનના કપરા સમયમાં સંશોધન કરીને શોધી કાઢ્યું :
“મમરાના એક પેકેટમાં 1236 મમરા, ત્રણ કાંકરા અને 1.25 ગ્રામ ધૂળ હોય છે.”
જોકે બીજા બધા આળસુ સજ્જનો આવાં સંશોધનોને બસ, ફોરવર્ડ કરી દે છે. જાતે મહેનત કરતા નથી !
મિત્રો, જાત મહેનત કરો અને ઘેરબેઠાં રિસર્ચ કરો ! જેમ કે અમે અમુક સંશોધનો કર્યાં છે...
***
ગુજરાતી ન્યુઝ ચેનલોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન “જો કોરોના વાયરસની વાત કરીએ તો....”
એવું 189 વાર બોલાયું છે.
***
મેગીના પેકેટની સેવો (નૂડલ્સ) બફાઈ ગયા પછી તેને સળંગ એક લાઈનમાં ગોઠવીને માપવામાં આવે તો તેની કુલ લંબાઈ માત્ર 1.75 મીટર થાય છે.
***
દૂધની તપેલીને ધીમે તાપે ગેસ ઉપર ચડાવ્યા પછી મમ્મી પોતાનાં પિયરિયાં સાથે મોબાઈલમાં રોજ 22.30 મિનિટ વાતો કરે છે.
***
મારા વોટ્સ-એપમાં આજે આખા દિવસમાં 3695 મેસેજ આવ્યા. તેનો હિસાબ આ મુજબ છે.
630 ગુડ મોર્નિંગ / ગુડનાઈટ
63 જુની 'ટિક-ટોક' જોક્સ
805 જુની ટેક્સ્ટ-જોક્સ
6 નવી જોક્સ
2013 કોરોનાથી બચવાની સલાહો
178 મોદીજીનાં વખાણ
***
મેં હિસાબ કાઢ્યો છે કે જો કોરોનાતી બચવાની તમામ સલાહ માનવી હોય તો મારી પાસે...
આદુ, લસણ, હળદર, લવિંગ, આલ્કોહોલ, એરંડાનાં બી, તાંબાના વાસણ, કબૂતરની ચાંચ, જાડાં-પાતળાં કાપડના ટુકડા, સોય-દોરો, ઈલાસ્ટિક, હેલ્મેટ, બખ્તર અને...
...પ્રાણાયામ અથવા યોગાસનમાં કરેલી Ph.d.ની ચાર ડિગ્રી હોવી જોઈએ.
- આમાંથી હાલમાં મારી પાસે માત્ર આલ્કોહોલ જ છે. મારું શું થશે ?
***
મેં આલ્કોહોલનો પ્રયોગ કરી જોયો.
થોડીવાર પહેલાં મારી સામે એક ગ્લાસ હતો.
અત્યારે બે છે... (પ્રયોગ ફાયદાકારક છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment