પેસ્તનજીનો એક્ઝામ લેતર‌ !


ડિકરા મન્નુ,

તું કોઈ બકા-ડકાના લેતર તારી કોલમમાં છાપિયાં કરે ચ, તો મારા લેતર છાપતાં તને સું પેટમાં દુઃખે ચ ?

આજકાલ દસમા અને બારમાની એકઝામ ચાલિયા કરતી છે તે બાબતમાં મારે મોટા લોકને થોરી એડવાઈસ આપવી ચ.

***

આય નાલ્લાં પોયરાંને વિશ કરવાને વાસ્તે તમે બેસ્ટ-ઓફ-લકના મેસેજ-ફેસેજ કરિયા કરો તે તો સમજિયા પન આય સું, આમ લાંબા લાંબા ફોન કરવાના સારા લાગેચ?

બિચારું પોયરું જેમ-તેમ કરીને એની મોબાઈલની ગેમમાંથી મન મનાવીને વાંચવા બેથું હોય ને તમારો ફોન આવી પરે “બેસ્ટ ઓફ લક હોં… વાંચજે હોં દિકરા ?”

***

અમુક ચિપકુ ટાઈપનાં લોક તો ઘરે આવી પુગે ચ ! આવે તો આવે, ઉપરથી ઓર્ડર કરસે “બોલાવ જોઉં… બેબલીને બોલાવ ! આય અંકલને પગે લાગ ! તને આસીરવાદ આપસે તો તું પાસ થઈ જસે !”

અરે, મેડ થેઈ ગિયા ચ કે સું ? તમુને પગે લાગસે તો કંઈ તમારા પગમાંથી ક્વેશ્ચન પેપર નીકલીને એના ભેજામાં પૂગી જવાનું ચ ?

***

તમે લોકો માર્ક કરજો…

જે અંકલ આન્ટી લોક ખુદ ભણવામાં ઓર્ડિનરી હોસે તે જ ઉછલીને ઉછલીને બેસ્ટ ઓફ લક.. બેસ્ટ ઓફ લક… કરતા હોસે !

કોઈ સોજ્જો ડોક્ટર હસે, કે કંપનીનો માલિક હસે તો તે સિમ્પલી નાલ્લો સરખો મેસેજ પાઠવસે…

***

મન્નુ, તું બી માર્ક કરજે…

જે લેડીઝ લોક પોતે ગ્રેજ્યુએટ થિયા પછી બી કિચનમાં રોતલી-દાલભાત-શાકમાં ગૂંચાયા કરે ચ, તેવણને જ ‘અભિનંદન’ આપવાની બો ઝણઝણી થેઈ આવે ચ !

બાકી જે લેડીઝ જોબમાં ઊંચી પાયરી પર લાગેલી છેવ, તેમનાં મેસેજ બી તૂંકા ને ટચ હોસે.

***

અને બધા લોક માર્ક કરજો…

મારા હિસાબે આય મન્નુ શેખચલ્લી બી નિસાલમાં એક નંબરનો ડોબો હોસે… એટલે જ બધી વાતમાં બધા ઉપર કોમેન્ત કરિયા કરે ચ !

બોલો, સાચ્ચું કે નીં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments