તમામ સિરિયલોમાં અમુક ઘટનાઓ વારંવાર એક જ રીતે થયા કરે છે. અમને વિચાર આવે છે કે એમાં કંઈક જુદું કેમ નથી થતું ? દાખલા તરીકે…
***
કોઈ સિરિયલમાં એવું કેમ નથી થતું કે કોઈ મમ્મી કે આન્ટીને એક્સિડેન્ટ થાય પછી તે કોમામાં તો જતી રહે…
પરંતુ ચાર જ એપિસોડ પછી તે કોમામાંથી બહાર આવી જાય !
***
સિરિયલોમાં એવું કેમ નથી થતું કે જેની યાદદાસ્ત જતી રહે એ પાત્ર અચાનક સાવ સ્ટુપિડ ટાઈપની કોમેડીઓ કરવા માંડે !
***
સિરિયલોમાં એવું કેમ નથી થતું કે ધનવાન ઘરમાં કામવાળીઓ અચાનક હડતાલ પાડે અને ઘરેણાં પહેરેલી સ્ત્રીઓએ રોજ વાસણ ઘસવાં પડે !
***
સિરિયલોમાં ક્યારેક એવું કેમ નથી બતાડતા કે અમુક પરિવારના લોકો ભેગા મળીને રોજ ટીવીમાં એક ખાસ ‘સિરિયલ’ જોતા હોય !
***
સિરિયલોમાં એવું પણ ક્યારેક બતાડવું જોઈએ કે વિલનનો પીછો કરવા માટે નીકળેલી હિરોઈન ઉતાવળમાં રોંગસાઈડમાં ઘૂસી જાય…
… અને એની પાસે લાયસન્સ, પીયુસી વગેરે ના હોય એટલે પોલીસવાળો 5000 રૂપિયાનો દંડ ભરાવડાવે !
***
અને સિરિયલોમાં એવું પણ બતાડવું જોઈએ કે ભરઉનાળે દરેક ઘરમાં ચાર ચાર એસી ચાલતાં હોવાને કારણે આખા એરિયાની લાઈટો જતી રહી છે…
જેના કારણે પરસેવાના રેલામાં સૌના ચહેરા ઉપરથી મેકપ ધોવાઈને ઉતરી રહ્યો છે !
***
અરે, સિરિયલોમાં ક્યારેક તો એવું બતાડો કે આખા ઘરના તમામ સભ્યો ભેગા મળીને એક જ રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરીને ટોટલ 22 અલગ અલગ ટાઈપના પિત્ઝા મંગાવે છે…
…. અને 30 મિનિટથી વધારે મોડું થવાને કારણે બધાને ‘ફ્રીમાં’ પિત્ઝા ખાવા મળી જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment