આવતીકાલે તો આખા અમદાવાદમાં ટ્રમ્પ… ટ્રમ્પ… થઈ રહ્યું હશે ! આ નિમિત્તે ગુજરાતના ગરબા સહેજ જુદા શબ્દો સાથે સંભળાઈ રહ્યા છે…
***
લોકો કહે છે :
"ટ્રમ્પના પગલાં પડ્યાં, મોદીનાં હેત ભળ્યાં, જોવા લોક ટોળે મળ્યા રે… મોટેરામાં અમેરિકાનાં એંધાણ જડ્યાં…"
***
ટ્રમ્પજી કહે છે :
“પેલા દિલ્હીવાળા મોદી મને લાડ લડાવે… લાડ લડાવે ને પછી લાડવા ખવરાવે, ને પછી ગરબા ગવરાવે…”
***
ગુજરાતની સ્વાગત સમિતિ કહે છે :
“રોડ વળાવીને સ્વચ્છ કરાવું, ટ્રમ્પ આવો ને… વળી સાઈડમાં ચણાવું દિવાલ, ટ્રમ્પ, ઘેર આવો ને !”
***
આ બાજુ સોશિયલ મિડીયા મચી પડ્યું છે :
“છાનું તે છપનું કંઈ થાય નહિ… બાંધો દિવાલો તો યે ઝુંપડાં ઢંકાય નહિ..."
***
NRI ગુજરાતીઓ જોશમાં છે :
“મોદી તારા ઊંચા સ્ટેડિયમ, મોટા રોડ… ગુજરાતના રોલા પડે રે લોલ…”
***
મોદી-ભક્તો ભીડ ભેગી કરવામાં લાગ્યા છે :
“તમે એકવાર મોટેરા જાજો રે, હો, મોદીવાળા…
તમે મોટેરામાં ટ્રમ્પને વધાવજો રે, હો, મોદીવાળા…
તમે ઓલું જોજો, પેલું જોજો,
ટ્રમ્પના બોલે તાળીઓ પાડજો રે, હો મોદીવાળા…”
***
મોદી : "મોટેરામાં આવો તો રમીએ"
ટ્રમ્પ : "અમને રમતાં ના આવડે"
મોદી : "અમે રમીને બતલાવીએ"
ટ્રમ્પ : "કરારની જોડ છે, એમાં કંઈ તોડ છે… ડ્યૂટી ઘટાડો તો રમીએ…"
***
પેલી તરફ અમેરિકાના મતદારો ટ્રમ્પને પૂછશે :
“મોટેરામાં રાસ રમી આવ્યા, હો ટ્રમ્પ તમે શું લઈ આવ્યા ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment