વરસોથી આવતી સિરિયલો અને બે ચાર વરસથી ચાલુ થયેલી વેબ-સિરિઝોમાં અમુક ચોક્કસ ટાઈપની અલગ અલગ ખાસિયતો છે...
***
તમે માર્ક કરજો કે...
સિરિયલોમાં બે જણી કંઈ ખાસ વાતો કરતી હોય તો ત્રીજી પાછળ સંતાઈને સાંભળતી જ હશે !
***
તમે માર્ક કરજો કે
વેબસિરિઝોમાં બે જણ વાત કરતા હોય તો એમાંથી એકાદ તો કારણ વિના ગાળો બોલતો જ હશે !
***
તમે માર્ક કરજો કે
સિરિયલોમાં બંગલાઓમાં મસ્ત પોચા પોચા સોફા હશે છતાં બધા ઊભા ઊભા જ વાતો કરતા હશે !
***
તમે માર્ક કરજો કે
વેબસિરિઝોમાં ડિસન્ટ મિડલ ક્લાસ ઘર બતાડી શકાય એવું હોય છતાં ગંદી ગોબરી ચાલીઓ જ બતાડ બતાડ કરશે !
***
તમે માર્ક કરજો કે
સિરિયલોમાં બગડેલી સ્ત્રીઓ કરતાં સંસ્કારી સ્ત્રીઓની સંખ્યા લગભગ દસ ગણી હોવી જરૂરી છે.
***
તમે માર્ક કરજો કે
વેબસિરિઝોમાં સંસ્કારી સ્ત્રીઓનાં પાત્રો હોતાં જ નથી ! જે સ્ત્રી પાત્રો હોય છે તે માત્ર ફેશન ખાતર સિગારેટો પીએ છે અને માત્ર સ્ટાઈલ ખાતર ગાળો બોલે છે !
***
તમે માર્ક કરજો કે
સિરિયલોમાં બિઝનેસ તો બૈરાંઓ જ સંભાળતા હોય છે. છતાં ભાગ્યે જ ક્યારેક ઓફિસમાં જોવા મળે છે !
***
તમે માર્ક કરજો કે
વેબસિરિઝોમાં ભલે પુરુષો ધંધો કરતા હોય પણ સાલો, એમાં તો એકેય ધંધો સીધી લાઈનનો નથી હોતો ! બધા સાલાઓ, અવળા ધંધા જ કરતા હોય છે !
***
અને તમે માર્ક કરજો કે
કલ્ચર વિનાના મિડલ ક્લાસ લોકો સંસ્કારી સિરિયલો જુએ છે અને હાઈ-ફાઈ કલ્ચરવાળા બધા ગંદી-ગોબરી વેબસિરિઝો જુએ છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment