કોર્ટ સિસ્ટમ... ક્રિકેટમાં !?


હૈદરાબાદ એન્કાઉન્ટર પછી ચર્ચા હરી ફરીને એક પોઈન્ટ ઉપર આવીને ઊભી રહે છે કે કોર્ટોમાં ન્યાય મળતાં વરસો નીકળી જાય છે એના કરતાં આ ‘ધાંય-ઘાંય’ શું ખોટું ?

અમે એ ચર્ચામાં નથી પડવા માગતા પણ મિ. લોર્ડ, એક જ સરખામણી કરી જુઓ કે જો ક્રિકેટના ચૂકાદા કોર્ટની જેમ અપાતા હોત તો ?

***

જો ક્રિકેટમાં અંપાયરોની જગાએ જજ હોત તો 1960ના જમાનાના બોલર બિશનસિંહની એક ઓવર હજી પતી ના હોત..

કેમ કે એમના એક ‘નો-બોલ’ ઉપર ‘સ્ટે’ લાગ્યો હોત !

***

કપિલદેવની 1986ની એક  એલબીડબલ્યુની ‘અપીલ’ આજ સુધી પેન્ડિંગ રહી હોત..

કેમ કે સાત સાક્ષીઓ એમનું બયાન બદલી ચૂક્યા હોત અને દરેક સુનાવણી વખતે કપિલદેવે  પિંજરામાં ઊભા રહીને બૂમ પાડવી પડતી હોત : “હાઉઝ ધેએએએટ !”

***

રાજેશ ચૌહાણ યાદ છે ? એની બોલિંગ એક્શન ઉપર વિવાદ થયો હતો.

જો નિર્ણય જજ સાહેબોના હાથમાં હોત તો બિચારો રાજેશ ચૌહાણ 75 વરસનો ડોસો થઈ જાય, ત્યારે એના ઘરે સમન્સ આવે કે ભઈ, કોર્ટમાં આવીને, શર્ટ ઉતારીને, બોલિંગ એક્શન બતાડી જાવ ને !

***

મેચ-ફિક્સીંગમાં ઝડપાયેલો શ્રીસંત યાદ છે ?

એ ચાલુ ટાઈપનો બોલર 15 વરસ સુધી ટીમમાં રમતો રહ્યો હોત. ત્યારબાદ રિટાયર થઈને એ સિલેક્ટર બની ગયો હોત. ત્યાં પણ લાંચો ખાઈને માલદાર બની ગયો હોત. એકાદ IPL ટીમનો માલિક બની ગયો હોત, કરોડોનું કૌભાંડ કરીને એ દેશ છોડીને ભાગી ગયો હોત...

ત્યાર પછી તેને ‘પ્રત્યાર્પણ સંધિ’ દ્વારા દેશમાં પાછા લાવવાની કાર્યવાહી એટલા માટે ચાલતી હોત કે કોર્ટે તેને મેચ-ફિક્સીંગના કેસમાં પોતાની ‘કેફિયત’ આપવા માટે કોર્ટમાં રૂબરૂ બોલાવવા પડે તેમ છે !

***

- અને હા, મેચમાં વરસાદ પડી ગયા પછી ફરી ક્યારે ચાલુ કરવી તેનું જજમેન્ટ 12 ચોમાસાં વીતી ગયા બાદ જ આવતું હોત !

... હાઉ’ઝ ધેટ ?

***

- મન્નુ શેખચલ્લી

 

Comments