હૈદરાબાદના કુખ્યાત બળાત્કારનો વિડીયો શોધવા માટે 80 લાખ લોકોએ ઓનલાઇન ‘સર્ચ’ કરી !
એ હિસાબે આપણે પૂછવું જોઈએ કે આપણા આ ‘સર્ચક’ દેશમાં બીજા કયા કયા મામલે કેટલા લોકો સર્ચ કરતા હશે ?
***
સંસદમાં ખુદ સરકારે કહ્યું કે દેશની બેન્કોના લગભગ 18,000 કરોડ રૂપિયા ‘ટોપી’ થઈ ગઈ છે.
- આપણે જાણવું છે કે એ ‘ટોપીબાજો’ ક્યાં ક્યાં ભાગી ગયા છે અને ક્યાં ક્યાં છૂપાયા છે એની ‘સર્ચ’ કોણ કરે છે ? અને કેટલી વાર ?
***
- અને યાર, આપણે એ પણ જાણવું છું કે પેલા 18,000 કરોડ ગયા ક્યાં ? શું એની કોઈ સર્ચ કરે છે. ખરું ?
***
અચ્છા ભઈ, કયા રોડ ખખડી ગયા છે, ક્યાં ક્યાં ભૂવા પડ્યા છે ? કઈ ગટરો ઉભરાય છે ?... અને હા, એ બધા રિપેરીંગના કે બાંધકામના કામો કેટલે પહોંચ્યા ?
કોઈ સર્ચ કરે છે ખરું ? કમ સે કમ કોન્ટ્રાક્ટરોને “પૈસા” ચૂકવતાં પહેલાં ?
***
ચાલો, માની લઈએ કે ફિલ્મની હિરોઈનો શું ખાય છે, ક્યારે ખાય છે કેટલું ખાય છે એની લાખો સર્ચ થતી હશે !
આપણે એટલું જ જાણવું છે કે ઘરડા ઘરમાં રહેતાં વડીલોએ ક્યારે, શું, કેટલું ખાધું એની ‘સર્ચ’ એમનાં કેટલા સ્વજનો કરે છે ?
***
બીજું, આપણા ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરો ચૂંટાઈ ગયા પછી ક્યાં ગુમ થઈ જાય છે ?
- કોઈ કહેશો, સર્ચ કરીને ?
***
છેલ્લે, દેશના નેતાઓને વિનંતી કે સાહેબો, બિચારી પ્રજાની શું હાલત છે એની ક્યારેક ‘સર્ચ’ કરશો ખરા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment