અરેરે... ‘જિઓ’ વડે મુકેશભાઈએ આખા ઈન્ડિયાને ‘જિયો મેરે મોબાઈલ, જિયો !’ બોલતું કરી નાંખ્યું હતું એ જ મુકેશભાઈએ હવે ‘મહા-મોબાઈલ-ગઠબંધન’ કરીને એના ભાવ 40% સુધી વધારી નાંખ્યા ?
અમને તો ડર છે કે આની બહુ ‘દુરગામી’ અસરો થવાની છે...
***
બેરોજગારી
દેશનું બેરોજગાર ‘યુવાધન’ અત્યાર સુધી મોબાઈલ મચડવાને ‘ધંધે’ લાગેલું હતું. હવે અચાનક બિચારું યુવા-ધન ‘ગરીબ’ પણ થઈ જશે !
મોબાઈલમાંથી માથું ઉંચકવાને લીધે આ યુવાનોને જો ક્યાંક ‘વાસ્તવિક્તા’નાં દર્શન થઈ ગયાં તો મોદી સરકારને ભારે પડશે...
***
ગર્લફ્રેન્ડ
હવે તમામ છોકરાઓ માટે ગર્લફ્રેન્ડનો ‘નિભાવ-ખર્ચ’ વધી જવાનો છે ! છોકરીના ફોનમાં બેલેન્સ કરાવવા જતાં છોકરાની અંગત બેલેન્સ-શીટ ડામાડોળ થઈ જવાની છે...
***
મિસ-કોલ
‘બે રીંગ મારીને કટ કરી નાંખવાનો અને સામેવાળાને ગરજ હોય તો એ ઝખ મારીને કોલ કરશે...’ એવી જે અમદાવાદી મેન્ટાલિટી હતી તેનું ‘પુનરાગમન’ થશે.
***
સ્ટેટસ
અમને તો લાગે છે કે કંઈ કેટલાય લોકોનાં સ્ટેટસ ‘અવેલેબલ’માંથી ‘બિઝી’માં પરિવર્તિત થઈ જવાનાં છે...
***
ફોલોઅર્સ
નેતાઓ, ક્રિકેટરો અને ફિલ્મસ્ટારોના ‘અનુયાયીઓ’ (ફોલોઅર્સ)ની સંખ્યામાં દેખીતો ઘટાડો તો નહીં થાય, કારણકે અહીં ‘અનફોલો’
કરવાની નવરાશ કોને છે ?
પરંતુ ફોલોઅર્સની ‘સાચી’ સંખ્યામાં ધરખમ ઘટાડો થવાનો છે.... ( ‘ભક્તો’એ ખાસ નોંધ લેવી.)
***
ઊંઘ
અમારા કાચા અંદાજ મુજબ દેશમાં રોજની સરેરાશ 55 કરોડ કલાકની ઊંઘ વધી જવાની સંભાવના છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment