લો, વેકેશન પતી ગયું… રજાઓ પતી ગઈ… આવનારા દોઢ બે મહિનાઓમાં કોઈ રજાઓનું ‘સેટિંગ’ પણ થાય એમ નથી. વરસ પતવા આવ્યું એટલે ‘હક્ક-રજા’ પણ બચી નથી.
છતાં જેને રજા પાડવી જ હોય એમના માટે આપણા દેશના કર્મચારીઓ પાસે અમુક સ્ટાન્ડર્ડ ‘વણ-હક્ક’ની રજાઓ હોય છે…
***
સ્મશાન રજા
અચાનક ગુટલી મારવા માટેની આ સૌથી હાથવગી રજા છે :
“હલો સાહેબ, સ્મશાનેથી બોલું છું ! એક રિલેટીવનું મરણ થઈ ગયું છે. બધું પતાવીને ડાયરેક્ટ ઓફિસે આવું છું, હોં !”
***
હોસ્પિટલ રજા
“હોસ્પિટલમાં છું સાહેબ ! ના ના, હું બિમાર નથી પણ મારા એક ભાણિયાને એક્સિડેન્ટ થઈ ગયો છે… શું કહ્યું ? ના ના, ગયા મહિને તો મારા ભત્રીજાને એક્સિડેન્ટ થયેલો… ભૂલી ગયા ?”
***
લગ્ન રજા
“સર, મેરેજમાંથી બોલું છું… ના ના, મારાં નહીં… મારા ભત્રીજાનાં મેરેજ છે ! જેને પગમાં એક્સિડેન્ટ થયેલો ને, એ જ ભત્રીજો ! હા, એને એક લંગડી કન્યા મળી ગઈ છે… બન્નેને ફેરા મારે જ ફેરવવા પડે એમ છે….”
***
મેડિકલ રજા
“કાલે તો હું બિમાર હતો ! બહુ માથાકુટ ના કરો સાહેબ… મેડિકલ સર્ટિફીકેજ જ જોઈએ છે ને ? મળી જશે… કે ગઈકાલે મને ‘એઈડ્ઝ’ થયો હતો ! બોલો, હવે કંઈ કહેવું છે ?”
***
‘બંધ’ રજા
“ગઈકાલે તો ‘ગુજરાત બંધ’નું એલાન હતું ને ? મારે તો આવવું હતું, ઘરથી સ્કુટર લઈને નીકળ્યો’તો બી ખરો… પણ અમારા એરિયામાં બધા ડંડા લઈને નીકળેલા. મેં કીધું, આજે ડંડા પડશે તો બીજા ત્રણ દહાડાની રજા પડશે. એમાં સાહેબ બહુ જ ખિજાશે.. એટલે…”
***
‘હાજર હતો’ રજા
“હોય સાહેબ ? હું તો આખો દહાડો ઓફિસમાં જ હતો. તમે ક્યારે જોવા આવેલા ? તમે આવ્યા હશો ત્યારે હું ટોઈલેટમાં હોઈશ કારણ કે કાલે મને જરી ‘લુઝ-મોશન’ જેવું હતું…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment