નવું કાશ્મીર ટુરિઝમ !


સરકારે હવે કાશ્મીરને ટુરિસ્ટો માટે ખુલ્લું મુકી દીધું છે. (રિબિન કાપ્યા વિના, ઉદ્ઘાટન કર્યા વિના)

જસ્ટ વિચાર કરો, હવે ત્યાંના ‘નવા’ ટુરિસ્ટ સ્પોટ કેવાં કેવાં હશે..

***

એરપોર્ટ

દોસ્તો, આ એ જ શ્રીનગર એરપોર્ટ છે જ્યાંથી દેશના 17 પક્ષના 17 નેતાઓને 17 વાર અહીંથી લીલા તોરણે પાછા મોકલવામાં આવ્યા હતા.

***

નજરકેદ

તમે સેન્ટ્રલ જેલ જોઈ હશે (ફિલ્મોમાં) તિહાર જેલ જોઈ હશે (ન્યુઝમાં) પણ શું તમે કદી ‘નજરજેલ’ જોઈ છે ? આ જુઓ… આ એ જ જગાઓ છે જ્યાં કાશ્મીરના હુર્રિયત નેતાઓને ‘નજર’માં ‘કેદ’ કરીને રાખવામાં આવ્યા હતા…

***

ઝગડા સ્પોટ

અને દોસ્તો, આ એ જ હોલ છે જ્યાં નજરકેદ કરાયેલાં મહેબૂબા મુફ્તી અને ઓમાર અબ્દુલ્લા એટલા મોટા અવાજે ઝગડતા હતા કે કાશ્મીરમાં ‘શાંતિ’ જાળવી રાખવાના શુધ્ધ હેતુથી એમને અલગ કરવામાં આવ્યા…

***

પથ્થરો

દોસ્તો, આ પથ્થરોનો વિશાળ ઢગલો જુઓ છો ? આ એ જ (અને એટલા જ) પથ્થરો છે જે કાશ્મીરના યુવાનોએ પથ્થરબાજીમાં જાતે, પોતાના હાથે ફેંક્યા હતા..

***

જીપ

અને આ જુઓ, આ એ જ આર્મી જીપ છે જેની ઉપર એક લશ્કરી અધિકારીએ એક આંદોલનકારી યુવાનને બાંધીને આર્મીજવાનોને સહીસલામત બહાર કાઢ્યા હતા.

***

લિન્ચિંગ સ્પોટ

દોસ્તો, આ એ જ જગ્યા છે જ્યાં એક ધાર્મિક ટોળાએ એક મુસ્લિમ પોલીસ અધિકારીને ભેગા મળીને રહેંસી નાંખ્યા હતા… જોકે એ ઘટનાને ‘લિન્ચિંગ-ઈતિહાસ’માં સ્થાન આપવા બાબતે 64 બુધ્ધિજીવીઓમાં વિવાદ ચાલી રહ્યો છે.

***

મોબાઈલ ટાવર

અને… આ એ જ મોબાઈલ ટાવરો છે… જે હજી પણ ‘બંધ’ છે !

ફોટા પાડી લો, સેન્ડ પછીથી કરજો.

***

- મન્નુ શેખચલ્લી

Comments