વર્લ્ડમાં જો એક્શન ફિલ્મોની વાત આવે તો ત્રણ ટાઈપની ફિલ્મોનો વટ છે. એક તો હોલીવૂડની ફિલ્મો, બીજી કૂંગ-ફૂ કરાટેવાળી ફિલ્મો અને ત્રીજી આપણી સાઉથની (તામિલ, તેલુગુ) ફિલ્મો !
જોકે કુંગ-ફૂ કરાટેવાળી ફિલ્મોમાં હીરોને માર્શલ આર્ટ્સનો ખાંટુ બતાડ્યો હોય છે એટલે પરદા ઉપર જે સ્ટંટ બતાડે છે એમાં અડધા તો રિયલ હોય છે. (જેમ કે જેકી ચાનની ફિલ્મો) પરંતુ સરખામણી તો હોલીવૂડ અને સાઉથની કરવા જેવી છે...
***
હોલીવૂડનો વિલન
આ માણસ મોટેભાગે ‘COOL’ ટાઈપ હોય છે. એનું મિશન હંમેશા આખી પૃથ્વીને સાફ કરી નાંખવાનું હોય છે. એના માટે તે ભૂગર્ભમાં ક્યાંક મોટો પ્લાન્ટ નાખીને બેઠો હોય છે અને સ્ટાફમાં 40-50 ડોબાઓને રાખ્યા હોય છે.
વિલન હંમેશાં એકાદ સેક્સી છોકરી અથવા એકાદ ધોળી બિલાડી સાથે બેસી રહેલો હોય છે. ફિલ્મના એન્ડમાં ભાગી જવા માટે તેણે એકાદ હેલિકોપ્ટર તૈયાર રાખેલું જ હોય છે.
સાઉથનો વિલન
આ ભાઈ જ્યાં જાય ત્યાં 10-20 બાઈકો, 8-10 કારો અને 30-40 ગુન્ડાઓ લઈને જ જતો હોય છે. હિરોઈનનાં મેરેજ અટકાવવાનાં હોય, કે કોર્ટમાં એકાદ લલ્લુને સાક્ષી આપવા જતો રોકવાનો હોય... આ ભાઈને આટલી ફોજ તો જોઈએ જ !
બીજું, સાઉથનો વિલન ઘાંટા બહુ પાડે ! હાહાહા હોહોહો કરીને જ હસે... અને ફસાઈ જાય ત્યારે કાર્ટૂન જેવો બનીને, કોમેડી કરવા માંડે !
વળી, સાઉથના વિલનની મોટામાં મોટી ઈચ્છા બહુ બહુ તો એકાદ ઈલેક્શન જીતવાની હોય અથવા તો તે હોંગકોંગ-સિંગાપોરની કોઈ ઈન્ટરનેશનલ ગેંગ જોડે સેટિંગ પાડીને ઈન્ડિયાનો હૉલ એન્ડ સોલ ડ્રગ્સ-માફિયા બનવા માગતો હોય..
આટલું કરવામાં તો એ ફિલમમાં એટલી બધી ધડબડાટીઓ મચાવ્યા કરે છે કે થિયેટરની સીટો પણ થરથરતી જાય છે.
આ ઉપરાંત સાઉથના વિલનનું બીજું મેઈન કામ હીરોની મમ્મી અથવા એની બહેનનું કીડનેપ કરીને ગોડાઉનમાં બેઠા બેઠા હીરોની રાહ જોયા કરવાનું હોય છે.
***
હોલીવૂડનો હીરો
હોલીવૂડના હીરોના હાથમાં બાઈક આવી જાય એટલે તે બેફામ બનીને ફૂટપાથો ઉપર, પગથિયાં ઉપર, ફળ-ફ્રૂટની મારકેટમાં, મોલમાં, બિલ્ડીંગોની છત ઉપર કે રણમાં, તળાવમાં.. ગમે ત્યાં ભગાવ ભગાવ જ કરે છે !
હોલીવૂડના હીરોના હાથમાં કાર આવે એટલે 180ની સ્પીડ તો મિનિમમ અને ‘સ્લો’ ગણાય ! એ ભાઈ કારણ વિના સીટીમાં એક્સિડેન્ટો કરાવશે... ટ્રાફિક સિગ્નલોનાં ચલાન નહીં ભરે... અને એની કારમાં બોમ્બ ફૂટે એની 0.0003મી સેકન્ડ પહેલાં એમાંથી નીકળી જઈને બરોબર ત્રીજી સેકન્ડે ‘સ્લો-મોશન’માં ચાલતો દેખાશે.
હોલીવૂડના હીરો પાસે જો હેલિકોપ્ટર હશે તો તે વિલનના વિમાનોની વાટ લગાડશે.. જો હિરો પાસે વિમાન હશે તો તે વિલનના અડ્ડા પર બોમ્બમારો કરશે, સ્પેસશીપ હશે તો આખા બ્રહ્માંડમાં વિલનની સ્પેસશીપો અને તેના અડ્ડા ધરાવતા ગ્રહોના ભૂક્કા બોલાવીને સ્પેસમાં કચરો કચરો કરી મૂકશે.
હોલીવૂડના હીરોને લડવા માટે દસ જાતની ગન્સ, સત્તર જાતની મશીનગન્સ, વીસ જાતના બોમ્બ, ટોપલા ભરાય એટલા હેન્ડગ્રેનેડ તથા ચાર-પાંચ ટાઈપની તોપો અને ટેન્કો તો મિનિમમ જોઈએ.
સાઉથનો હીરો
આ ભાઈ ખાલી હાથે જ આવી પહોંચે છે ! સામે 30-40 ગુન્ડાઓ ચાકુ, છરી, દાતરડાં, ધારિયાં, ભાલા, તલવારો લઈને ધસી આવે તોય આ ભઈ ઘણીવાર જમીનમાં પડેલી ધૂળ ઉછાળીને પણ કામ ચલાવી લેતા હોય છે.
સાઉથના હીરોના હાથ અને પગ વીંઝાય ત્યારે એની સ્પીડથી હવામાં ‘સૂસવાટા’ સંભળાય છે અને મુક્કા મારે ત્યારે ધાબા ઉપરથી ‘ગાદલાં’ પછડાતાં હોય એવા ભારે અવાજો આવે છે. એ વિલનના ગુન્ડાઓને મારતાં મારતાં ઉછાળે છે ત્યારે ગુરુત્વાકર્ષણ ધીમું પડી જાય છે અને ગુન્હાઓ ભોંય ઉપર પછડાય ત્યારે ધરતી રબ્બરની બનીને ગૂન્ડાઓને ગુરુત્વાકર્ષણની ઉલટી દિશામાં ધકેલે છે.
અને હા, સાઉથનો હીરો સાઉથના વિલનને મારી નાંખતા પહેલાં મિનિમમ ચાર મિનિટની જોરદાર સ્પીચ આપતો હોય છે ! યેન્ના રાસ્કલા...
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment